31મી ઓક્ટોબર એટલે દેશની લોકશાહી, એકતા અને અખંડિતતાના સર્જક-શિલ્પી લોખંડી પુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ. સરદાર સાહેબની શબ્દવંદના કરતા સૌરાષ્ટ્ર- ભાજપ  પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, મુગલોથી માંડીને બ્રિટિશરો સુધીના વિદેશી શાસકો-તાનાશાહોના પગ તળે હજારો વર્ષની ગુલામી તેમજ અનેક ક્રૂર યાતનાઓ વેઠનાર ભારતની પ્રજાને અંગ્રેજ સરકાર-દેશી રાજાશાહીથી મુક્ત કરી વિશ્વની સૌથી મોટી સંસદીય લોકશાહી તરીકે અખંડ ભારતની ભેટ ધરનાર સરદાર પટેલના દેશની રચનામાં અતુલ્ય યોગદાનની કોંગ્રેસ પાર્ટી અને તેની તમામ સરકારોએ હંમેશા ઉપેક્ષા જ કરી છે.

વીર સાવરકર હોય નેતાજી સુભાષચંદ્ર બોઝ હોય કે સરદાર પટેલ હોય કોંગ્રેસે એક પરિવાર સિવાયના દરેક રાષ્ટ્રભક્તોને અન્યાય કરવાનું મહાપાપ કર્યું છે. જો જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પક્ષે સરદાર ની ઉપેક્ષા, અવગણના અને અવહેલના ન કરી હોત તો આજે ભારતે યુરોપના દેશોથી પણ ઘણી વધુ પ્રગતિ કરી હોત અને કાશ્મીરના સળગતા પ્રશ્નનું અસ્તિત્વ જ રહ્યું નહોત. સરદાર પટેલ જવાહરલાલ નહેરુની ઈર્ષ્યા અને રાગદ્વેષભરી નીતિઓનો ભોગ બન્યા હતા અને તેમને ડગલે ને પગલે અપમાન સહન કરવું પડ્યું હતું.  દેશના ભાગલા પડ્યા ત્યારે સરદાર પટેલે આગવી સૂઝ-બૂઝ અને રાજકીય કૂનેહ વાપરીને 563 રજવાડાંઓનું વિલિનીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું અને ભારતને મહાન રાષ્ટ્રનો ઘાટ આપ્યો હતો.

જો ગાંધીજીએ ન્યાયોચિત રીતે નહેરુના બદલે સરદાર પટેલને વડાપ્રધાન બનવા દીધા હોત તો આજે દેશનો ઇતિહાસ અને રાષ્ટ્રની સુરત જુદાં જ હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જોકે હવે સરદાર પટેલના અધૂરા કાર્યો સપનાના એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી આવે છે એટલે કોંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે છે અને તેથી જ આજે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના દિવસે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરવા જઈ રહી છે. જેમના લોહીના ટીપેટીપામાં રાષ્ટ્રની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સમર્પણ ઘોળાયેલ હતું એવા વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદારને યથોચિત્ત સર્વોત્તમ સન્માન આપવાના સ્તુત્ય નમ્ર પ્રયત્નો કર્યા છે.

ભારત રત્ન એવોર્ડની શરૂઆત થઈ ત્યારે પહેલો એવોર્ડ 1954માં નહેરૂ સરકારે ચક્રવર્તી રાજગોપાલાચારીજી અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આપ્યો. ત્યારબાદ તુરંત જ  1955 માં  તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ પોતે પોતાને   ભારતરત્ન એવોર્ડ આપ્યો  હતો અને સરદાર વલ્લભભાઈ પટેલને તેમના મહાન પ્રદાન સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ ભારત દેશના નવનિર્માણ-નવરચના માટે ભારતરત્ન આપવા માટે યાદ પણ કર્યા ન હતા.જયારે  સરદાર પટેલને ભારતરત્નથી સન્માનીત કરવા પ્રથમ આગ્રહ અટલબિહારી બાજપાઈ અને  લાલકૃષ્ણ અડવાણીએ કર્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન પછી 41 વર્ષે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું! પ્રશ્ન એ થાય છે કે, જે રાજકારણીઓને 1991 પહેલાં ભારતરત્ન એવોર્ડ મળ્યા તે રાજકારણીઓ કરતાં સરદાર પટેલનું દેશ માટેનું યોગદાન શું ઓછું હતું?  દેશના સંખ્યાબંધ વિદ્વાનોનું માનવું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણીબધી સમસ્યાઓનો ઉકેલ ક્યારનોયે આવી ગયો હોત. આઝાદીના 75  વર્ષ પછી પણ દેશવાસીઓ – લોકો યાદ કરે છે કે ભારત જેવા પરાધીન રાષ્ટ્રની  નવરચના અને બંધારણીય લોકશાહીના નિર્માણમાં સરદાર પટેલનું કેટલું મહાન યોગદાન હતું. તેમના નિર્ણયો હંમેશાં દીર્ઘદ્રષ્ટિવાળા અને દેશહિતને સર્વોચ્ચ મહત્વ આપતા સર્વોત્તમ નિર્ણયો રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.