વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા આધુનિક ભારતના રાજકીય ઈતિહાસમાં અજર્રામર સરદાર વલ્લભભાઈ પટેલ હંમેશા તેના વ્યક્તિત્વ, નિર્ણય શક્તિ અને નૈતૃત્વ માટે યાદ રહેશે. ૩૧ ઓકટોબર ૧૮૭૫ના દિવસે નડીયાદમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી તરીકેનો કાંટાળો તાજ પહેરીને અખંડ ભારતના સપનાને પૂરું કરવા માટે જે લોખંડી મનોબળ અને નિર્ણય શક્તિથી દેશને આકાર અને વિકાસની નવી રાહ ચિંધી હતી તે સરદારની અસરદારીના કાયમી પ્રતિક બની રહેશે. અખંડ ભારતના નિર્માણનું બીડુ, નિખાલસ મુસદ્દીગીરી અને જરૂર પડે ત્યાં સૈન્ય બળનો સુચારૂ ઉપયોગ કરીને સરદારના નૈતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાઓને ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન કોઠાસુઝથી જે નિર્ણયો લીધા હતા તેમાં તેમના નામ અને ખિતાબ સરદારની અસરદાર કામગીરીની પુરેપૂરી અસર દેખાય છે.
સરદાર વલ્લભભાઈ પટેલને વિશાળ ભુપ્રદેશ ધરાવતા અને અનેક રાજકીય સામાજીક પડકારોનો ગંજ બની ગયેલા ભારતના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાનનો કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો હતો, અનેક પડકારો અને વિસંગત પરિસ્થિતિમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલે પુરેપૂરી હિંમત અને કુટનીતિ વ્યૂહથી દેશના તમામ રજવાડાઓને એક કરવાની સાથે સાથે હૈદરાબાદના નિઝામ અને જૂનાગઢના નવાબના ભારતમાં ન રહેવાના પ્રયત્નોને પ્રારંભીક સમજાવટ અને ત્યારબાદ પરિણામ સ્વરૂપ જે રીતે અખંડ ભારતનું નિર્માણ કર્યું તે સરદારની અસરદાર નૈતૃત્વની કાયમી યાદી બની રહેશે.
લોકનેતા કેવા હોવા જોઈએ તેનું આદર્શ ઉદાહરણ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન બતાવ્યું હતું. અત્યારે સમગ્ર વિશ્ર્વમાં જ્યારે કોરોનાની મહામારીની સમસ્યાથી વિશ્ર્વ આખુ હચમચી રહ્યું છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન આવેલા ફલેગની મહામારીમાં નેતાગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને લોકો વચ્ચે જઈ વ્યવસ્થાની જવાબદારી અદા કરી હતી. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતી છે ત્યારે તેમણે ઉભી કરેલી એકતાની ભાવનાએ ભારતના રાષ્ટ્ર નિર્માણને વધુ સુદ્રઢ બનાવ્યું છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની અસરદાર નેતૃત્વએ આધુનિક ભારતનું નિર્માણ કરવામાં જે યોગદાન આપ્યું છે તે ચરિતાર્થ થઈ રહ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિની ઉજવણી ખરા અર્થમાં દેશની એકતા અખંડતતાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં નિમીત બની રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો જીવનમાં ઉતારવાની વર્તમાન રાજકારણ અને ખાસ કરીને નેતાઓમાં એક હોડ ઉભી થઈ છે. હળદરના ગાંઠીયે ગાંધી ન થઈ જવાય તેમ સરદાર વલ્લભભાઈ પટેલના પેગડામાં પગ નાખવાના વર્તમાન રાજકારણ અને નેતાઓના દાવાઓમાં માત્ર ઉગ્ર ભાષણો અને આક્રમક વલણથી સરદારની આભા ઉભી કરવાથી સરદારના કંડારેલા કેડા પર આગળ વધી જવાતું નથી.
સરદાર વલ્લભભાઈ પટેલ આક્રમક સ્વભાવની સાથે સાથે દેશભાવના અને રાષ્ટ્રની શાંતિ અને સલામતી માટે કોમળ હૃદય પણ ધરાવતા હતા. પલેગની મહામારીમાં જ્યારે ગામના ગામ રોગથી બચવા માટે ખાલી થઈને ખેતરોમાં વસવા લાગ્યા હતા તેવા સંજોગોમાં રોગી વાતાવરણ વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલે સીમ-વગડામાં કેમ્પ કરી દર્દીઓની સારવારની વ્યવસ્થા અને સામાજીક જાગૃતિ માટે પોતાની જીવની પરવાહ કરી ન હતી અને લોખંડી પૂરુષની પોતાની આભા સામે કોમળ હૃદયના માનવી તરીકેની તેમણે કામગીરી કરી હતી. આજે ભારતની અખંડીતતા અને શાંતિનો જે આધાર સરદાર વલ્લભભાઈ પટેલે ઉભો કર્યો છે તેના પર અખંડ ભારત વિકાસની સફર આગળ વધારી રહ્યું છે.