ચાવી બનાવવાની દુકાનમાં ઘુસી બંને શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધા બાદ એક્ટિવા પર ભાગી ગયા
શહેરના જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે 25 વારીયામાં રહેતા અને જંકશન પ્લોટમાં ચાવી બનાવવાનો વ્યવસાય કરતા સરદારજી યુવાન પોતાના કુટુંબી સામે કરેલી છેડતી અંગે કરેલી ફરિયાદના કારણે કુટુંબી કાકા-ભત્રીજાએ દુકાનમાં ઘુસી છરીના અસંખ્ય ઘા ઝીકી કરપીણ હત્યા કરી બંને શખ્સો ભાગી જતાં સનસનાટી મચી ગઇ છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા બંને શખ્સોની પોલીસે શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્ર્વર 25 વારીયા પ્લોટમાં રહેતા અને જંકશન પ્લોટમાં ગુરૂનાનક શોપીંગ સેન્ટરમાં વાહેગુરૂ કી સેન્ટર નામની દુકાન ધરાવતા સત્યસિંધ રઘુનાથસિંધ રાજુની નામના 35 વર્ષના સરદારજી યુવાનની તેના જ પાડોશમાં રહેતા કુટુંબી કાકા-ભત્રીજા ફરજસિંધ શ્યામસિંધ રાજુની અને તરજીતસિંહ હરવિંદસિંધ રાજુનીએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની મૃતકના ભાઇ પ્રદિપસિંઘની ફરિયાદ પરથી ગુનો નોંધી પી.આઇ. એલ.એલ.ચાવડા અને પી.એસ.આઇ. બોરીસાગર સહિતના સ્ટાફે તપાસ હાથધરી
છે.
પ્રદિપસિંહના મોટાભાઇની પુત્રવધૂની છ માસ પહેલાં ફરજસિંધ શ્યામસિંધ રાજુનીએ છેડતી કરી હતી. આ અંગે મૃતક સત્યસિંધ રાજુનીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરી હતી ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થઇ ગયું હતુ પરંતુ ફરજસિંધ રાજુની પોતાને પોલીસ મથકે બોલાવી ધમકાવ્યા અંગેનું ભુલ્યો ન હોવાથી પોતાના ભત્રીજા તરજીસિંઘ રાજુની સાથે મળી હત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ગઇકાલે સાંજે સત્યસિંધ રાજુની પોતાની વાહેગુરૂ કી સેન્ટર નામની દુકાને હતો ત્યારે એક્ટિવા પર ફરજસિંઘ રાજુની અને તેનો ભત્રીજો તરજીતસિંધ ઘસી આવ્યા બાદ છરીના દસ જેટલા ઘા ઝીંકી સત્યસિંધ રાજુની હત્યા કરી ભાગી ગયા હતા.
જંકશન પોલીસ ચોકી નજીક સરા જાહેર થયેલી સરદારજી યુવાનની હત્યા અંગે પી.એસ.આઇ. બોરીસાગરને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોચી લોહીલુહાણ હાલતમાં સત્યસિંધ રાજુનીને હોસ્પિટલ ખસેડવા પ્રબંધ કર્યો હતો પરંતુ સત્યસિંધ રાજુનીને સારવાર મળે તે પહેલાં જ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જંકશન પ્લોટમાં સરા જાહેર થયેલી હત્યાના બનાવના પગલે ઘટના સ્થળે ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. હત્યાના ગુનામાં સંડોવાયેલા કાકા-ભત્રીજાને ઝડપી લેવા પ્ર.નગર અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના સ્ટાફે શોધખોળ હાથધરી છે.