સન્માન સમારંભ સાથે વિદ્યાર્થીઓ માટે ગ્લોબલ વોર્મીંગ પર નિબંધ સ્પર્ધા યોજાઈ
લીંબાસીયા પરિવાર સોશ્યલ ગ્રુપની સ્થાપના 1995માં કરવામાં આવી હતી. 1995ની સાલથી નિયમિત રીતે છાત્ર ઉત્કર્ષના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાથો સાથ વર્ષમાં એક વખત સ્નેહ મિલન તથા સરદોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે લીંબાસીયા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્વારા 15મી ઓગસ્ટના રોજ સરસ્વતી સન્માન સમારંભનું અટલ બિહારી બાજપેય હોલ પેડક રોડ ખાતે તેજસ્વી છાત્રોને ઇનામો, શીલ્ડ આપીને સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આજની મોટી સમસ્યા ગ્લોબલ વોમીંગ( જલવાયુ પરિવર્તન), પ્લાસ્ટીક પ્રદુષણ ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા પર્યાવરણીય પ્રાકૃતિક જીવનશૈલીનો સંદેશો આપી આ જીવનશૈલી અપનાવવા પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લીંબાસીયા પરિવાર સોશ્યલ ગ્રુપના પ્રમુખ વસંતભાઇ લીંબાસીયા, માનદ મંત્રી પ્રવિણભાઇ લીંબાસીયા, રમેશભાઇ લીંબાસીયા ગુણવંતભાઇ લીંબાસીયા, પરેશભાઇ લીંબાસીયા, હિમાંશુભાઇ લીંબાસીયા, ધર્મેશભાઇ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
ધો. 5માં સરસ્વતી સન્માનથી સન્માનિત થયેલા જીગ્નેશ લીંબાસિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની પરીવારનું નામ રોશન કર્યું
ધોરણ 5માં અભ્યાસ કરતાં હતા તે સમયે જ જીગ્નેશભાઈ લીંબાસીયાને લીંબાસીયા પરીવાર સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે જીગ્નેશભાઈ લીંબાસીયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને પરીવાર અને સમાજનું ગૌરવ વધારી રહ્યા છે. તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને નાની ઉંમરમાં સન્માનિત કરીને જીવનમાં કંઈક કરી બતાવવાની પ્રેરણા આપી હતી જેનો હું સદાય ઋણી રહીશ.
370 વિદ્યાર્થીઓને સન્માનની સાથે પરિવારના મોભીઓના આશિર્વાદ મળ્યા: વસંતભાઈ લીંબાસિયા
આ તકે લીંબાસીયા પરીવાર સોશિયલ ગ્રુપના પ્રમુખ વસંતભાઈ લીંબાસીયાએ જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટના પાવન દિવસે લીંબાસીયા પરીવાર સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારા ગુણ સાથે ઉતીર્ણ થયેલા સમાજના 370 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં આશરે 1 હજાર પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, ’અબતક મીડિયા’એ અમારા સમગ્ર કાર્યક્રમનું તેમના પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ કર્યું છે જેના લીધે પરિવારના જે સભ્યો હાજર ન રહી શક્યા તેમણે સમગ્ર કાર્યક્રમ ઘરે બેઠા માણ્યો છે તે બદલ હું અબતક મીડિયાનો આભાર વ્યક્ત કરું છું.