વડાપ્રધાન મોદીની ઉ5સ્થિતિ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું પ્રેરણાત્મક ઉદ્બોધન અને રાષ્ટ્રપતિનો વિડીયો ક્લીપના માધ્યમથી શુભેચ્છા સંદેશ જ્ઞાનયજ્ઞનું અનોખું સંભારણું બનશે
વડોદરા શહેરના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરે ચાલી રહેલી યુવા સંસ્કાર અભ્યુદય શિબિર અને સાત દિવસના જ્ઞાનયજ્ઞના સાતમા દિવસે તા.22/5ના રોજ દેશ-વિદેશના હજારો હરિભક્તોની હાજરીમાં ભવ્ય પૂર્ણાહુતિ સમારંભ યોજાયો હતો. સાત દિવસના ભવ્ય જ્ઞાનયજ્ઞમાં લાખો હરિભક્તોને પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. આ ભવ્ય જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યારે હજારો યુવાનો અને હરિભકતોને પૂજ્ય ગુરુજીએ આશીર્વચન આપી એક સારા સંન્નિષ્ઠ ભક્ત તથા પ્રામાણિક યુવાન બની સમાજ ઘડતરમાં યોગ્ય યોગદાન આપવા અને સંસ્કારોનું જતન કરવા આશીર્વાદ પાઠવ્યા હતા.
આ જ્ઞાનયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી વડોદરા સાથેના તેમના સંસ્મરણો વાગોળી યુવાનોને રાષ્ટ્રના ઘડતરમાં લાગી જવા હાકલ કરી હતી. સુરક્ષામંત્રી રાજનાથસિંહે સ્વામિનારાયણ સંપ્રદાયથી પ્રભાવિત થઈ શિબિરમાં ઉપસ્થિત હજારો હરિભક્તોને કહ્યું હતું કે હું અહી એક અદ્રુત આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરી રહ્યો છું. જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી કુંડળધામ તથા કારેલીબાગ, વડોદરા સ્વામિનારાયણ મંદિર દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. તેમણે ગુજરાતને એક આધ્યાત્મિક ચેતના કેન્દ્ર તરીકે ઓળખાવ્યું હતું.
આ ઉપરાંત આ શિબિરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજીએ વિડીયો ક્લીપના માધ્યમથી આપેલા સંદેશામાં યુવાનોને ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી પ્રમાણે જીવનનું ઘડતર કરવા માટે અનુરોધ કર્યો હતો. કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલ આ સાત દિવસના જ્ઞાનયજ્ઞ તથા યુવા શિબિરમાં ધામ-ધામના સંતો મહંતો પધાર્યા હતા અને હરિભક્તો તેમજ યજમાન પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા. સાથોસાથ અનેક સામાજીક અને રાજકીય મહાનુભાવો આ જ્ઞાનયજ્ઞમાં ઉ5સ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના યજમાન પદનો લાભ વડોદરાના અક્ષરનિવાસી નિર્મળભાઇ ઠક્કરના મુકેશભાઇ તથા કમલેશભાઇ ઠક્કર પરિવારે લીધો હતો.