સંયમજીવન તે પરમાત્માની આજ્ઞાના દોરડા પર ચાલતુ જીવન: પૂ.નમ્રમુનિ મ.સા.
૧૨૦થી વધારે ભાવિકોએ એકાસણા તપની આરાધના કરી અને ૧૧ નવદિક્ષીત મહાસતીજીઓએ અંતરના ઊંડાણથી એક વર્ષના સંયમ જીવનના અનુભવો વર્ણવ્યા
અપ્રતિમ સંતત્વનાં સ્વામી બનીને અનેક અનેક આત્માઓને સંયમ જીવન પર પ્રયાણ કરાવીને સંસાર સાગર તરાવી રહેલાં દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં દીક્ષિત થયેલ એવમ પૂજ્ય મુક્ત-લીલમ-વીર ગુરુણીના સાંનિધ્યે શિક્ષીત થયેલાં ૨૮-૨૮ સાધ્વી રત્નાઓની પ્રથમ, તૃતીય અને પાંચમી દીક્ષા જયંતિનો કાર્યક્રમ પાવનધામ જૈનસંઘ-બરોડાના આંગણે ડો. પૂજ્ય ડોલરબાઈ મહાસતીજીના સાંનિધ્યે સંયમ શુભેચ્છા સમારોહ સ્વરૂપે મુંબઈ, અમદાવાદ, રાજકોટ, કોલકત્તા આદિ અનેકઅનેક ક્ષેત્રોથી વિશાળ સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ સાથે ભક્તિભાવથી ઉજવાયો હતો.
આ અવસરે એક વર્ષની દીક્ષા પર્યાય ધરાવનાર ૧૧ નવદીક્ષિત મહાસતીજીઓએ અંતરના ઊંડાણથી સહજ શૈલીમાં આ એક વર્ષનાં પોતાના સંયમ જીવનનાં અનુભવો, સંયમ જીવન અને રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ પ્રત્યેનો ઉપકાર ભાવ, રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ દ્વારા પ્રાપ્ત થયેલી હિત શિક્ષાઓ અને વિશેષમાં સમુદાય પ્રત્યેનો અનન્ય અહોભાવ વ્યક્ત કરતાં ઉપસ્થિત સર્વ ભાવિકો સંયમધર્મ પ્રત્યે અહોભાવિત થયાં હતાં.
આ અવસરે રાજકોટમાં બિરાજમાન રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે નવદીક્ષિત મહાસતીજીઓને સંયમ જયંતિની શુભેચ્છા અને આશીર્વાદ આપતાં ફરમાવ્યું હતું કે, જે હૃદયગુરુ-પરમાત્મા પ્રત્યેની શ્રધ્ધા-ભક્તિ અને ઋણાનુ બંધને અનુભવે છે તેના માટે સંયમ કદી સંઘર્ષ નહીં, પરંતુ સ્વર્ગનુ સુખ બની જતું હોય છે. જેની અંદરમાં એકવાર ગુરુ-પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ અને સમર્પણતાનો શ્વાસ પ્રગટે છે એના જીવનમાં અશક્ય જેવું કાંઈ હોતું જ નથી. સંયમ જીવન તે પરમાત્માની આજ્ઞાના દોરડા પર ચાલતું જીવન હોય છે.
વધુમાં નવદીક્ષિત પૂજ્ય મહાસતીજી વૃંદને સંયમ આરાધના દ્વારા પોતાની લક્ષ્ય સિધ્ધિ કરે એવા આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે ગુરુણી મૈયા વિરલ પ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઈ મહાસતીજીએ પૂજ્ય નવદીક્ષિત મહાસતીજીઓને આર્શીવચન પાઠવ્યા હતા.
આ અવસર ેરાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવની ૨૮મી દીક્ષા જયંતિ અવસરે બરોડાના હરીનગર પાંચ રસ્તા પર માતુશ્રી વીનુબેન કનકભાઈ શાહ પરિવારના સહયોગથી અર્હમ યુવા સેવા ગ્રુપ અંતર્ગત અર્હમ જલ મંદિર-પાણીના પરબના પ્રોજેક્ટનું શાહ પરિવાર દ્વારા લોંચિંગ કરવામાં આવ્યું હતું.
નવ દીક્ષિત મહાસતીજીઓના માતા-પિતાના ભાવોની અભિવ્યક્તિ,પારસધામ ફેડેરેશન વતી નિરંજનભાઈ ભાયાણી અને પાવનધામ જૈન સંઘ વતી ઉમેદભાઈ ફીફાદરા દ્વારા શુભેચ્છા વંદન, ૧૨૦ થી વધારે ભાવિકો દ્વારા એકાસણા તપની આરાધના દ્વારા સંયમ અનુમોદના કરવામાં આવી.