• ગેર કાયદેસર સ્ટોપ પર બસ ઉભી રાખવા બાબતે મારામારી
  •  ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
  •  ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

વડોદરા ન્યૂઝ: વડોદરાથી ફતેપુરા વાયા સંતરામપુર બસ લઈને બસ ડ્રાઈવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાજી નીકળ્યો હતો. ત્યારે સંતરામપુર બસ સ્ટેશનથી આરોપી પપ્પુ પારસીગ ડીડોર બસમાં બેસ્યો હતો.તેણે ઉખરેલી બે નંબરનાં બસ સ્ટોપ પર બસ ઉભી રાખવા જણાવ્યુ જેથી ફરીયાદી ડ્રાઈવરે કહ્યું કે ઉખરેલી બે નંબરના બસ સ્ટેન્ડ પર અમારી બસનું સ્ટોપ નથી, તેથી બસ ઊભી નહીં રહે. આરોપી નવાધરા બસ સ્ટોપ પર ઉતરી ગયો હતો. તેમજ બસ ડ્રાઈવર બસ લઈ ને ફતેપુરા બસ ડેપોમાં જતા રહ્યા હતા.

ડ્રાઈવરનાં માથાના ભાગે ડંડો મારી દેતાં ઈજા

ફતેપુરાથી પરત આવતા ઉખરેલી બે નંબર પીક અપ સ્ટેન્ડ નજીક આરોપીઓ પપ્પુ પારસીગ ડીડોર, પપ્પુ લક્ષ્મણ ડીડોર, પારસીગ કાળુ ડીડોર, તેમજ લક્ષ્મણ જીવા ડીડોરે બસ ને ઉભી રખાવી આરોપીઓ પારસીગ કાળુ અને લક્ષ્મણ જીવા કન્ડક્ટર સાઇડના દરવાજાથી બસમાં ધુસી ગયા હતા. ડ્રાઈવરે સરકારી કર્મચારી હોવાનું જણાવ્યા છતાં આરોપીઓ ડ્રાઈવરને કહેવા લાગેલ કે તારાં બાપની બસ છે?કેમ અહીં ઉભી રાખતો નથી? તેમ કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યા. ડ્રાઈવરે ગાળો નહીં બોલવાનું કહેતાં આરોપીઓ ઉશ્કેરાઈને ડ્રાઈવર જોડે  મારામારી પર ઉતરી આવ્યા હતા. તે દરમ્યાન ડ્રાઈવરનું માથું તેની કેબીનના દરવાજા બહાર આવી જતાં આરોપી પપ્પુ પારસીગ ડીડોરે ડ્રાઈવરનાં માથાના ભાગે ડંડો જોર થી મારી દેતાં માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

બનાવની જાણ બસ ડ્રાયવરે એસટી સત્તાધીશોને મોબાઈલ ફોનથી કરી હતી. તેમજ ઈજાગ્રસ્ત બસ ડ્રાઈવરને 108માં સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જયા ઈજાગ્રસ્ત બસ ડ્રાઈવરને જરુરી પ્રાથમિક સારવાર આપી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

એસટી સ્ટાફમાં ઘટનાના ધેરા પ્રત્યાઘાતો 

ઈજાગ્રસ્ત ડ્રાઈવરે  પ્રાથમિક સારવાર લીધા બાદ સંતરામપુર પોલીસ મથકે બનાવ અંગેની ફરીયાદ નોંધાવી હતી. પરંતુ ગંભીર ધટના માં પોલીસ દ્વારા ત્વરીત જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ નહીં ધરાતા, એસટી વિભાગીય નિયામકને એસટીનાં અધિકારીઓ સંતરામપુર પોલીસ મથકે દોડી આવ્યા હતા.તેમજ બનાવમાં સંતરામપુર પોલીસે ત્રણ કલાક પછી ફરીયાદ લઈને કાર્યવાહી કરેલ જોવાં મળતી હતી. સરકારી એસટી ડ્રાઈવર ઉપર પ્રી-પ્લાનથી ષડયંત્ર રચીને કરેલા હુમલાનાના ધેરા પ્રત્યાઘાતો એસટી સ્ટાફમાં પડેલાં જોવા મળે છે.

બનાવને  વીસ કલાક વિત્યા છતાં સંતરામપુર પોલીસ નિષ્ફળ

ઉલ્લેખનીય છે કે સરકારી એસટી ડ્રાઈવર ઊપર આરોપીઓએ ષડયંત્ર રચીને ગેરકાયદેસર રીતે મંડળી બનાવીને ચાલુ ફરજ દરમિયાન ડ્રાઈવર ઉપર જીવલેણ હુમલો કરેલાના બનાવમાં હુમલાખોર આરોપીઓને પકડવા માટેની તાત્કાલિક કોઈ કાર્યવાહી સંતરામપુર પોલીસ દ્વારા નહીં કરાતાં તેમજ  બનાવને  વીસ કલાક વિત્યા છતાં પણ હુમલાખોર આરોપીઓને પકડવામાં સંતરામપુર પોલીસ નિષ્ફળ ગયેલ જોવા મળે છે.જેનુ શું કારણ હોઈ શકે??? તેવી ચર્ચાઓ બસ ડ્રાઇવરના પરિવારમાં ચાલી રહી છે.

અમીન કોઠારી 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.