નાતાલ એટલે બાળ ઈશુના જન્મનો ઉત્સવ. તા.૨૫ ડિસેમ્બરે બાળ ઈશુનો જન્મદિવસ છે. તે નિમિતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે અને એ ઉજવણીના ઉપક્રમે ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા ક્રિસમસ સાન્તા ડાંસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ૧૫૦થી વધુ સાન્તા કલોઝ હતા. સાન્તા કલોઝએ નાતાલ પર્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાઠવવા માટે દરેકના ઘરે જાય છે અને પ્રભુ પોતે એના ‚પમાં હોય છે એવી માન્યતા પ્રચલિત છે. એટલા માટે રાજકોટ શહેરમાં દરેકના ઘરે અને આખા શહેરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રસરે તેવી શુભેચ્છાઓ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં બાળ ઈશુના જન્મની ઝાંખીઓ પણ જોવા મળી હતી કે જેમાં બાળ ઈશુના જન્મ સમયે જે રીતે ગભાણમાં જન્મ પામ્યા હતા ત્યારનો તેમનો મહિમા પ્રદર્શીત કરતી રેલી હતી. પ્રભુ ઈશુ એ શાંતિ અને સૌમ્યતાના પ્રતિક છે. નાતાલ પર્વની ઉજવણી વિશ્ર્વભરમાં ખુબ જ આનંદ અને ઉત્સાહથી થાય છે. ખ્રિસ્તી ધર્મના વડા ધર્માધ્યક્ષ બિશપ જોસ ચિટ્ટુપરમંબોલના હસ્તે આ રેલીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ મોટી સંખ્યામાં ફાધરો, સીસ્ટરો અને શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો અને આ રેલીના માધ્યમથી રાજકોટ શહેરજની જનતાને નાતાલ પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.
હોસ્પિટલના ડાયરેકટર જોમોન થોમ્મનાએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, ક્રિસમસના દિવસે આ વર્ષે સાન્તા કલોઝને લઈને રાજકોટ સીટીમાં આ રેલી કરીને ક્રિસમસ સેલિબ્રેશન કરીએ છીએ. આ રેલીમાં બધા ધર્મના વ્યકિતઓ જોડાયા છે અને આ રેલીનો હેતુ શાંતી અને પ્રેમનો શુભ સંદેશ આપવા માંગે છે અને ઈશુ ભગવાનનો જન્મ આ ધરતી પર થયો એ પ્રેમનો સંદેશ લઈને આવ્યા છે માટે એકબીજા પ્રત્યે પ્રેમ આપણે રાખવો જોઈએ. આ ક્રિસમસ સેલીબ્રેશન રેલીમાં ડી.જે.ના તાલે અને સાન્તા કલોઝના પહેરવેશ સાથે રેલીમાં જોડાયેલા વ્યકિતઓએ ખુબ ઉત્સાહથી જોડાયા હતા અને ઉજવણી કરી હતી.