ભક્ત જલારામ બાપાનું પાવન ધામવિરપુર. આ ધામને સૌરાષ્ટ્રનું ગોકુળિયું ગામ કહેવામાં આવે છે. જલારામ બાપાના આ મંદિરમાં દર વર્ષે લાખો લોકો શ્રધ્ધા અને ભક્તિથી પોતાનું શીશ ઝુકાવે છે અને બાપાની ભક્તિ કરે છે. અહીં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આજે બાપાની 218મી જન્મજયંતી હોય ભાવિકોએ મંદિરમાં કેક કાપી ઉજવણી કરી હતી. તેમજ વહેલી સવારથી જ વીરપુર જલારામ મય બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.દરેક સ્થળે આજે જલાબાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રંગીલા રાજકોટના રેસકોર્સમાં આવેલા બાલભવનમાં જલારામ બાપાની 218મી જન્મજયંતિ નિમિતે 218 ઇંચ ઉંચી પ્રતિમાં મુકવામાં આવી છે. જેના દર્શન ભાવિકો કરી શકશે. તેમજ રાજકોટમાં આજે જલારામ બાપાની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વિ.સં.1856ના કારતક સુદ સાતમને સોમવારે તા.4-11-1799ના રોજ વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘેર રાજબાઈમાતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામરામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા, ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તો પડે જ એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂક્યા. પણ બાળક જલારામનું ચિત્ત ભણવા-ગણવા કરતાં સાધુ-સંતો તરફ વધારે. સાધુને જુએ કે એનો હાથ પકડી એ એને ઘેર જમાડવા તેડી લાવતાં.

એમ કરતાં જલારામ ચૌદ વરસના થયાં. પિતાએ એને જનોઈ દીધી અને આટલું ભણતર બસ છે કહી નિશાળમાંથી ઉઠાડી લઈ પોતાની નાનકડી હાટડીએ બેસાડી દીધા. પિતાને બીક હતી કે દીકરાનું મન સાધુ-સંતો તરફ ઢળેલું છે, તેથી એ સાધુ તો નહીં થઈ જાય ને? એટલે એમને સંસારમાં બાંધવા એમણે એનું સગપણ કરી નાખ્યું. કિશોર જલારામને આ ગમ્યું નહીં. તેમણે નમ્રતાથી પિતાનેકહ્યું, ‘તમે મને સંસારની ઘટમાળમાં શા સારુ જોડો છો? મારે તો ભગવાનની ભક્તિ કરવી છે.’ ત્યારે પિતાએ અને કાકા વાલજીએ એને સમજાવ્યો કે ભાઈ, ગૃહસ્થાશ્રમને તું હીણો ન સમજ! ઘર બાંધીને બેઠા હોઈએ તો કો’ક દહાડો આપણે ઘેર કોઈને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ, વળી ચકલાં-કબૂતરને ચણ નાખીએ. એ પુણ્ય ઓછું નથી. અરે, ઘરમાં કીડી-મકોડા કણ ખાય એનુંયે પુણ્ય લાગે!’ ખવડાવવાની વાત જલારામના મનમાં વસી ગઈ. અને સોળ વરસની ઉંમરે આટકોટ ગામના પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે જલારામનાં લગ્ન થઈ ગયા. હવે દુકાનમાંથી એમનું ચિત્ત ઉઠી ગયું હતું. એકાએક એમના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. જલારામ જાત્રા પર નીકળી પડ્યા. તે વખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી. સકળ તીર્થનાં દર્શન કરી દોઢ-બે વર્ષે એ ઘેર પાછા આવ્યા, ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું.

જાત્રાએથી આવ્યા પછી જલારામ ભોજા ભગતનાં દર્શને ગયા. જુગજુગની ઓળખાણ જાગી પડી અને જલારામ ભોજા ભગતનાં પગમાં પડ્યા અને એમને ગુરૂ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી રામમંત્ર આપ્યો. બેઉં પતિ-પત્ની રામનામ લે અને કાયાતૂટ મજૂરી કરે. સાંજે જે દાણો મળે તે માથે ઉચકીને ઘેર લાવે. હવે ભગતે ગુરુચરણે પ્રાર્થના કરી, ‘મહારાજ, મારે સદાવ્રત બાંધવું છે, આપની આજ્ઞા માગું છું.’ ગુરુએ પ્રસન્ન થઈ ભગતના માથે હાથ મૂકી કહ્યું, ‘મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી દાતાભોક્તા હરિ એમ રહેવું.’ તેમણે સદાવ્રતની શરૂઆત કરી.

દિવસે-દિવસે સંતસાધુ અને જાત્રાળુઓની સંખ્યા વધતી જતી હતી. સંઘરેલો દાણો ખલાસ થઈ ગયો હતો, અને આતિથ્યમાં તકલીફ પડતી હતી. વીરબાઈએ ભગતને બોલાવી પોતાના માવતરના ઘરની સોનાની સેર ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દીધી. ભગતે પત્નીના દાગીના વેચીને પણ સાધુઓને રોટલા ખવડાવ્યા. જલારામ બાપાના મંદિરમાં વિક્રમ સવંત 1876ના મહા સુદ બીજથી અન્નક્ષેત્ર ચાલે છે. દરરોજ હજારો ભાવિકો અહીં જલારામ બાપાના દર્શન કરીને અન્નક્ષેત્રનો પ્રસાદ લે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.