સિસ્ટર નિવેદિતા સ્કુલ દ્વારા
સિસ્ટર નિવેદિતા સ્કુલ ઓન વ્હીલ્સ સંલગ્ન ૯૧ ગ્રામીણ શાળાઓના વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શકિતને ઉજાગર કરી પ્રોત્સાહિત કરવા માટે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના ઉપક્રમે યુ.એસ.એ. સ્થિત સંસ્થાના સ્વજન અ‚ણાબહેન પટેલ તથા સ્વ.હરિતભાઈ પટેલના આર્થિક સહયોગથી સંસ્કૃત શ્ર્લોકગાન સ્પર્ધા, ગુજરાતી વકતૃત્વ સ્પર્ધા તેમજ પારિતોષિક વિતરણ કાર્યક્રમનું આયોજન ઈન્સ્ટિટયૂટ ઓફ કવોલિટી એજયુકેશન, રાજકોટના ડિરેકટર રશ્મિકાંતભાઈ ત્રિવેદીના અતિથિ વિશેષપદે તાજેતરમાં પ્રો.જયોત્સનાબેન જોશી ઓડિટોરીયમ ઈન્સ્ટિટયૂટ ઓફ કવોલિટી એજયુકેશન, રાજકોટ ખાતે યોજાયું હતું.
ઉદઘાટન બેઠકમાં અતિથિ વિશેષ તરીકે પધારેલ રશ્મિકાંતભાઈ ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક દિપકભાઈ જોશીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, ગ્રામીણ બાળકોને શહેરી શિક્ષણની સુવિધાઓ મળી રહે તે માટે ઉષાબહેન જાની અને ગુલાબભાઈ જાની દ્વારા સિસ્ટર નિવેદિતા સ્કુલ ઓન વ્હીલ્સનો પ્રયોગ છેલ્લા ૨૪ વર્ષથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે યોજાયેલી સંસ્કૃત શ્ર્લોકગાન સ્પર્ધા અને ગુજરાતી વકતૃત્વ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં મૌલિક ચિંતન અને પ્રત્યાયન કલા વિકસાવવાનો ઉદેશ રહેલો છે.
ગુજરાતી વકતૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે રેખાબેન ઓઝાએ તથા સંસ્કૃત શ્ર્લોકગાન સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભાવનાબેન પરમારે સેવા આપી હતી. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને અતિથિ વિશેષના હસ્તે શીલ્ડ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ગ્રામીણ વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.