રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલના અમૃત મહોત્સવ પ્રસંગે નર્મદાના નીલકંઠધામ- પોઈચા ખાતે રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ અને વિદ્વાનોનો સન્માન સમારોહ યોજાયો
અબતક, રાજકોટ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઇચા ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75 વર્ષના અમૃત મહોત્સવના ઉપક્રમે આયોજીત ” સંસ્કૃત શાસ્ત્રાર્થ અને વિદ્વાનોનો સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજયપાલએ નિલકંઠધામ ખાતે ગૌમાતાનુ પૂજન તથા તીર્થાલયનું ઉદ્ધાટન પણ કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃતભાષાનો મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે, દરેક ભાષાઓની જનની સંસ્કૃત છે. દુનિયાની સૌથી પુરાતન અને ઈશ્વરીય ભાષા સંસ્કૃત છે. સંસ્કૃતથી પરિપુર્ણ ભાષા કોઈ નથી. નિલકંઠધામના આંગણે રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ સમારોહ યોજવા બદલ સંતગણને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે નિલકંઠધામના સ્થાપક ધર્મવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, માનવ અને રાષ્ટ્રને અનુસાશન કરે તે શાસ્ત્ર છે.
રાજકોટ ગુરુકુલની સ્થાપના 75 વર્ષ પુર્ણ થવાના અવસરે ઉજવાય રહેલા અમૃત મહોત્સવના અવસરે રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થનુ આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે વડતાલના સ્વામિ સંતવલ્લભદાસજી સ્વામી, ઉદ્યોગ અગ્રણી લાલજીભાઈ પટેલ, રાકેશભાઈ દુધાત, ઈશ્વરભાઈ ધોળકીયા, ધિરૂભાઈ કોટડીયા, દેશભરની કેન્દ્રીય અને રાજયની સંસ્કૃત યુનિવર્સિટીઓના સંસ્કૃતના વિદ્વાન કમલેશ ઝા, મધુસૂદન પેન્ના, મુરલી મનોહર પાઠક, રામનારાયણ દ્રિવેદિ, એસ.એસ.ઉપાધ્યાય તેમજ અન્ય સહિત 200થી વધુ વિદ્વાનો, સંસ્કૃત વિદ્યાપિઠના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.