- સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવારે સફાઈ કામદારોના પ્રશ્ર્નોની સમીક્ષા કરી: સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્ર્નો ઉકેલીને તેમને રાહત – સુવિધા આપવા નિર્દેશ આપ્યા
ભારત સરકારના સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવાર આજે રાજકોટના પ્રવાસે આવ્યા હતા. તેમણે જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ મહાનગર તેમજ જિલ્લાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, સફાઈ કર્મચારી યુનિયનો, સંગઠનો, રાજકીય-સામાજિક અગ્રણીઓ, સફાઈ કર્મચારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી.
આ બેઠકના પ્રારંભે સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવારનું રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રાજકોટ જિલ્લાની વિશેષ આર્ટવર્કની કૃતિ આપી સ્વાગત કર્યું હતું.
બેઠકમાં પંવારે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓનું રાષ્ટ્રીય આયોગ તમામ રાજ્યોમાં જઈને સફાઈ કર્મચારીઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક પુન:વસન તેમજ કલ્યાણની સ્થિતિની સમીક્ષા કરે છે. સમાજના છેવાડાના ગણાતા લોકોને મુખ્ય ધારામાં જોડવાના હેતુથી અધ્યયન કરીને સરકારી તંત્રને પગલાં લેવા નિર્દેશ કરે છે. આ સંદર્ભે આ બેઠક યોજવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પદ સાંભળ્યા પછી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરાવી હતી. આ મિશન સીધું સફાઈ કર્મચારીઓ સાથે જોડાયેલું છે. વડાપ્રધાનએ બનારસ કોરિડોરના ઉદઘાટન વખતે સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કરીને તેમને ઉચ્ચ સન્માન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોરોના વખતે સફાઈ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આવા સ્વચ્છતા સૈનિકોને સન્માન આપવું એ આપણી સૌની નૈતિક ફરજ છે.
પંવારે આ તકે રાજકોટ મહાનગર તથા જિલ્લાની નગર પાલિકાઓમાં સફાઈ કર્મચારીઓ માટે તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની સ્થિતિ જાણી હતી. ઉપરાંત તેમણે સફાઈ કર્મચારીઓની ભરતી, હેલ્થ ચેકઅપ, ઓળખપત્ર, યુનિફોર્મ, સેલેરી, પેન્શન કેસ તથા હક હિસ્સાની સ્થિતિ, વારસદારને નોકરી, રાજીનામા મંજૂર, મેડિકલ સુવિધા સહિતના પ્રશ્નોની મુદ્દાસર ચર્ચા કરી માહિતી મેળવી હતી.
આ તકે તેમણે દરેક સફાઈ કર્મચારીઓનું વર્ષમાં બે વાર આખા શરીરનું મેડિકલ ચેક અપ કરવા, કાયમી તથા કોન્ટ્રાક્ટ પરના તમામ સફાઈ કર્મચારીઓને ઓળખપત્ર આપવા, ઓળખપત્રમાં બ્લડ ગૃપ, પી.એફ., ઈ.એસ.આઇ.સી. નંબર લખવા, યુનિફોર્મ – રેઇન કોટ – સ્વેટર – શૂઝ નિયમિત આપવા, મહિનાના પહેલા સપ્તાહમાં સેલરી જમા કરવા, પડતર પેન્શન કેસોનો નીતિ મુજબ નિકાલ કરવા, મેડિકલ – સારવાર માટે ઉચિત સુવિધા આપવા ઉપાયો સૂચવી નિર્દેશ આપ્યા હતા.
આ બેઠકમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, ડી.સી.પી. ઝોન -2 જગદીશ બંગરવા, નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી, અધિક કલેક્ટર ઈલાબહેન ચૌહાણ, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, એ.સી.પી. જે.બી. ગઢવી, અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક આનંદબા ખાચર, મહાનગરપાલિકાના અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ, આરોગ્ય વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓના વિવિધ યુનિયનના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.