આઠ વર્ષ બાદ મોહન ભાગવત ગુજરાતમાં જાહેરમાં સંબોધન કરશે: જીએમડીસી ગ્રાઉન્ડમાં સમાજ શક્તિ-સંગમ કાર્યક્રમ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ તેઓ ગુજરાતમાં કોઇજ જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે. રાજ્યભરના સંઘના કાર્યકરો આજે કર્ણાવતી ખાતે પહોંચી ગયા છે. આજે 5:30 કલાકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આરએસએસના પૂર્ણ ગણવેશધારી 10 હજારથી વધુ સ્વયંસેવકોના સમાજ શક્તિ સંગમ કાર્યક્રમમાં તેઓ ઉ5સ્થિત રહેશે.
આ અંગે વધુ માહિતી આપતા આરએસએસના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ પંકજભાઇ રાવલે જણાવ્યું હતું કે આરએસએસ આગામી વર્ષ-2025માં શતાબ્દી પૂર્ણ કરી રહ્યું છે ત્યારે સંઘ દ્વારા સેવાકાર્યોનો વિસ્તાર અને રૂઢીકરણ કરવામાં આવશે. આજથી બે દિવસ આરએસએસના સુપ્રીમો મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સાંજે તેઓ રાજ્યના 10 હજાર પૂર્ણ ગણવેશધારક સ્વયંસેવકોના સમાજ શક્તિ સંગમ કાર્યક્રમમાં હાજરી આપશે અને સ્વયં સેવકોના ઉત્સાહમાં વધારો કરવા સંબોધન કરશે.
તેઓ ગુજરાતમાં આઠ વર્ષ બાદ જાહેર સંબોધન કરશે. આજે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્મ જયંતિ હોય તેઓને પણ શ્રધ્ધાજંલી અર્પણ કરશે. સંઘના ગુજરાતના પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે. આવતીકાલે શનીવારે પુન:ઉત્થાન ટ્રસ્ટના એક શૈક્ષણિક કાર્યક્રમ સંગોષ્ઠી કાર્યક્રમમાં હાજરી આપશે. રવિવારે મોહન ભાગવત ગુજરાતથી અન્ય રાજ્યના પ્રવાસે જવા માટે રવાના થશે. 2024માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે આરએસએસ દ્વારા ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.