બ્રિજના નિર્માણ માટે અંદાજે 60 કરોડનો ખર્ચ થશે: બ્રિજની લંબાઇ 705 મીટર અને પહોળાઇ 16.40 મીટરની હશે: 30 ગર્ડર મૂકાશે
શહેરના જામનગર રોડ પર આવેલો સાંઢીયા પુલ બ્રિજની આયુષ્ય હવે પૂર્ણ થઇ જવા પામી છે. ભવિષ્યમાં કોઇ મોટી દુર્ઘટના ન સજાય તે માટે કોર્પોરેશન દ્વારા અહિં નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની ડિઝાઇન તૈયાર કરી ડીપીઆર મંજૂરી અર્થે રેલવે વિભાગ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો છે. અંદાજે 60 કરોડના ખર્ચે બનનારા આ બ્રિજ હવે ટુ લેનને બદલે ફોર લેનનો બનાવવામાં આવશે. જો કે, નવા બ્રિજની લંબાઇ હયાત બ્રિજ જેટલી જ રાખવામાં આવશે.
આ અંગે કોર્પોરેશનના ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સાંઢીયા પુલ બ્રિજની નવી ડિઝાઇન સાથેનો ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂરી અર્થે રેલવે વિભાગ સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. જેમાં રેલવેના પાટા પરથી બ્રિજનો જે ભાગ પસાર થાય છે તેને બનાવવા માટે મંજૂરી આપવા અને તેનો ખર્ચ રેલવે વિભાગ દ્વારા ઉઠાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
બ્રિજના નિર્માણ માટે કુલ 60 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જેમાં રેલવેએ આશરે 8 થી 9 કરોડ રૂપિયા આપવાના થાય છે. રેલવે વિભાગની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવશે અને ત્યારબાદ ટેન્ડર પ્રસિદ્વ કરવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે. બ્રિજની ઉંચાઇ 8.40 મીટરની રહેશે. મુખ્ય સ્પાનની પ્લેટ ગર્ડરની ઉંચાઇ 26 મીટર, બ્રિજની લંબાઇ 705.50 મીટર, ફોન લેન બ્રિજની પહોળાઇ 16.40 મીટરની રહેશે. આરઇ વોલની લંબાઇ 198 મીટરની રહેશે.
છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા દર વખતે બજેટમાં સાંઢીયા પુલ બ્રિજનો નવીનીકરણ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે છે પરંતુ કોઇ કારણોસર આ પ્રોજેક્ટ સાકાર થતો નથી. હવે બ્રિજનો ડીપીઆર તૈયાર થઇ ગયો હોય રેલવે વિભાગની મંજૂરી મળ્યા બાદ બ્રિજના નિર્માણ માટેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવશે.