- બે વર્ષમાં નવા બ્રિજ બની જશે: સાંઢીયો પુલ બંધ કરાતાની સાથે જ ટ્રાફીક જામની સમસ્યા સર્જાઈ
શહેરના જામનગર રોડ પર સાંઢીયા પુલની જગ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 74.32 કરોડના ખર્ચ નવો ફોર લેન બ્રિજ બનાવવામાં આવનાર છે. બ્રિજના નિર્માણ કામ માટે આજથી વાહન ચાલકો માટે સાંઢીયો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. વાહન ચાલકો માટે ચાર રૂટ નકકી કરવામાં આવ્યા છે.
સાંઢીયા પુલને પ0 વર્ષથી વધુ સમય થઇ ગયો હોય રેલવે વિભાગ દ્વારા ઘણા સમય પૂર્વ આ બ્રિજને અસલામત જાહેર કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા બ્રિજ પરથી ભારે વાહનોના અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. દરમિયાન લોકસભાની ચુંટણી પૂર્વ ગત 7મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સાંઢીયા પુલના સ્થાને રૂ. 74.32 કરોડના ખર્ચે બનનારા નવા ફોર લેન બ્રિજના કામનું ઇ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. શહેરનો આ પહેલો એવો બ્રિજ હશે જેમાં હયાત બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવામાં આવશે. સર્વિસ રોડનું કામ પૂર્ણ થયા બાદ આજથી સાંઢીયો પુલ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
હવે જયાં સુધી બ્રિજનું નિર્માણ કામ પૂર્ણ નહી થાય ત્યાં સુધી પુલ બંધ રહેશે. વાહન ચાલકો માટે અલગ અલગ રૂટ જાહેર કરાયા છે.
ભોમેશ્ર્વરથી હોસ્પિટલ ચોક સુધીનો રસ્તો વન-ડે જાહેર કરવામાં આવ્યો છે. અહીંથી માત્ર ટુ વ્હીલ રોજ પસાર થઇ શકશે રિક્ષા અને કાર સહિતના અન્ય વાહનોએ રેલનગર તથા પોપટપરાના નાલા નીચેથી રેલનગર તથા પોપટપરાના નાલા નીચેથી પસાર થવું પડશે. જયારે ભારે વાહન ચાલકોએ 1પ0 ફુટરીંગ રોડ પરથી પસાર થવાનું રહેશે. બ્રિજનું નિર્માણ કામ બે વર્ષ સુધી ચાલશે. પહોળાઇમાં વધારો થશે અને લંબાઇમાં ઘટાડો થશે.
સિવીલ હોસ્પિટલ તરફ બ્રિજની લંબાઇ 298 મીટરની રહેશે. જયારે માધાપર ચોકડી તરફથી બ્રિજની લંબાઇ 268 મીટર રહેશે. સેન્ટ્રલ સ્થાનની લંબાઇ 36 મીટરની રહેશે. બ્રિજની પહોળાઇ 16.40 મીટરની હશે અને ફોર લેન બ્રિજ બનશે.
આજથી સાંઢીયો પુલ બંધ કરાતાની સાથે જ ટ્રાફીકની સમસ્યા પણ વકરી હતી. અનેક સ્થળોએ ટ્રાફીક જામની સમસ્યા સર્જાય હતી વાહન ચાલકોએ ભારે હાલકીનો સામનો કરવો પડયો હતો.