રાજકોટ શહેરના જામનગર રોડ પર હયાત સાંઢીયા પુલની જગ્યાએ કોર્પોરેશન દ્વારા રૂ.62.60 કરોડના ખર્ચે 602 મીટર લાંબો અને 54 ફૂટ પહોળો નવો ફોરલેન બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજના નિર્માણકાર્ય માટે કોન્ટ્રાક્ટ આપવા અંતે આજે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર હયાત બ્રિજને તોડી તેના સ્થાને નવી બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. બ્રિજની નીચે પણ વાહનચાલકોને કનેક્ટીવીટી મળી રહે તે માટે પરસાણાનગર ભોમેશ્ર્વરને જોડતા એક નવો રસ્તો બનાવવામાં આવશે.
રાજકોટ કોર્પોરેશન દ્વારા પ્રથમવાર હયાત બ્રિજને તોડી નવો બ્રિજ બનાવાશે: બ્રિજની નીચે પરસાણાનગરથી ભોમેશ્વરને જોડતો નવો રસ્તો પણ બનશે
રૂ.62.60 કરોડના ખર્ચે 602 મીટર લાંબો અને 54 ફૂટ પહોળા ફોરલેન બ્રિજનું થશે નિર્માણ: ખાતમુહુર્ત કર્યા બાદ બે વર્ષે નિર્માણકામ પૂર્ણ થશે
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના ઇન્ચાર્જ સિટી એન્જીનીંયર એમ.એચ.કોટકે જણાવ્યું હતું કે શહેરના જામનગર રોડ પર 1977માં પીડબલ્યૂડી દ્વારા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે સાંઢીયા પુલ તરીકે ઓળખાય છે. ત્રણેક વર્ષ પહેલા રેલવે દ્વારા આ પુલને અસલામત જાહેર કરવામાં આવ્યો હતો અને પુલ પરથી રાહદારીઓ પસાર ન થાય તે માટે ફૂટપાથ પણ તોડી પાડવામાં આવી હતી. 9 ટનથી વધારે વજનવાળા વાહનો પુલ પરથી પસાર ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા એક વર્ષ પહેલા એંગલ પણ લગાવી દેવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા સાંઢીયા પુલની નવી ડિઝાઇનને મંજૂરી આપ્યા બાદ કોર્પોરેશન દ્વારા આજે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યું છે. બ્રિજનું એસ્ટીમેન્ટ 18 ટકા જીએસટી સાથે 62.60 કરોડ રૂપિયા જેવું થાય છે. ટેન્ડરની અંતિમ અવધિ 9 ફેબ્રુઆરી નિયત કરવામાં આવી છે. 6 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન ટેન્ડર સબમીટ કરાવી શકાશે. જ્યારે 9મી સુધી ફિઝકલી ટેન્ડર ભરી શકાશે. ભાવ 14 ફેબ્રુઆરીએ ખૂલશે. જ્યારે પ્રિબીડ મિટીંગ 31મી જાન્યુઆરી રાખવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હયાત સાંઢીયા પુલ પરની પહોળાઇ ડબલ લેન જેટલી છે. 62.60 કરોડના ખર્ચે નિર્માણ પામનારા નવા બ્રિજની પહોળાઇ 54 ફૂટ એટલે કે ફોરલેન જેટલી હશે. બ્રિજની લંબાઇ 602 મીટરની રહેશે. જેમાં સિવિલ હોસ્પિટલ સાઇટ તરફ 298 મીટરની લંબાઇ અને માધાપર ચોકડી તરફ 268 મીટરની લંબાઇ રાખવામાં આવી છે. સેન્ટ્રલ સ્પાનની લંબાઇ 36 મીટરની રહેશે. બ્રિજ નીચે 20 પીલર અને 22 સ્પાન બનાવવામાં આવશે. સેન્ટ્રલ સ્પાનની હાઇટ 6.25 મીટરની રાખવામાં આવી છે. ટેન્ડર ખૂલ્યા બાદ તેને મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. દરખાસ્તને બહાલી મળ્યા બાદ ખાતમુહુર્ત થયા પછી 24 મહિનામાં બ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થશે. સામાન્ય રીતે બ્રિજના નિર્માણકામ માટે 18 મહિનાની અવધી રાખવામાં આવતી હોય છે પરંતુ પ્રથમવાર કોર્પોરેશનના ઇતિહાસમાં એક બ્રિજને તોડી તેની જગ્યાએ નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવતું હોવાના કારણે કામ 24 મહિના સુધી ચાલશે.
સૌથી મોટી વાતએ છે કે હાલ સાંઢીયા પુલની નીચે પરસાણાનગરથી ભોમેશ્ર્વરને જોડતો એકપણ રસ્તો નથી. જેના કારણે વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. ફોરલેન બ્રિજના નિર્માણ બાદ નવી કનેક્ટીવીટી આપવામાં આવશે. બ્રિજનું નિર્માણ કામ શરૂ થયા બાદ સિવિલ હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડીએ જવા ઇચ્છતા વાહનચાલકોએ પેટ્રોલ પંપની બાજુમાં જે રસ્તો ભોમેશ્ર્વર તરફ જાય છે ત્યાંથી જવાની રહેશે. જ્યારે માધાપર ચોકડીથી સિવિલ તરફ જવા માટે એરપોર્ટ પાસેનો આજ રસ્તો લેવામાં આવશે. નવા સર્વિસ રોડ માટે પણ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે.