- બોલીવુડની ક્રાઇમ થ્રિલર ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના
- મૃતદેહને સળગાવી નાખી હત્યારા હર્ષદએ પોતાના ડોક્યુમેન્ટ બાજુમાં મૂકી દીધા’તા
- હત્યારાને મૃતક સમજી પોસ્ટમોર્ટમ કરાતા સંદીપગીરીનો મૃતદેહ હોવાનું જાહેર થયું
ગોંડલનાં મોટા મહીકા ગામેથી હિન્દી ક્રાઇમ થ્રિલર ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટનાં સંદીપગીરીને મિત્ર હર્ષદ ગોંડલનાં મોટા મહીકા ગામે લઇ ગયો હતો. જ્યાં કોઈ કારણોસર મિત્રની ગળું દબાવી હત્યા નીપજાવ્યા બાદ મૃતદેહને સળગાવી નાખ્યો હતો. ભેજાબાજ હત્યારાએ સળગી ગયેલા મૃતદેહની બાજુમાં પોતાના ડોક્યુમેન્ટ મૂકી દેતા પ્રાથમિક દ્રષ્ટિએ મૃતદેહ હર્ષદનો હોવાનું પોલીસે અંદાજ મેળવ્યો હતો પરંતુ પોસ્ટમોર્ટમ થતાં મૃતદેહ હર્ષદનો નહિ પણ સંદીપગીરીનો હોવાનું જાણવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે ખંઢેર મકાનમાંથી અર્ધ સળગેલી રાજકોટના આધેડની લાશ મળી આવતા પોલીસ દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.ફોરેન્સિક પીએમમાં આધેડનું ગળું દબાવી હત્યા કરી લાશ સળગાવી દીધાનું તપાસમાં ખુલતા પોલીસે અજાણ્યા શખસો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. મહિકા ગામે આવેલા ખંઢેર મકાનમાંથી અર્ધ સળગેલી અજાણ્યા આધેડની લાશ પડી હોવાની જાણ થતા એલસીબી, સ્થાનિક પોલીસ સહિતનો સ્ટાફ દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક રાજકોટના મોરબી રોડ પર આવેલા સદગુરૂ સોસાયટીમાં રહેતા હસમુખ મુળશંકર વ્યાસ હોવાનું ખુલ્યુ હતું અને મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી બાજુ રાજકોટનાં નાગેશ્વર શાંતિનગર વિસ્તારમાં રહેતી પરિણીતા ગાયત્રીબેન સંદીપગીરી અમૃતગીરી ગોસ્વામી પોતાના પતિ સંદીપગીરીની શોધખોળ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય બાબત છે કે, ગત તા. 25 ડિસેમ્બરનાં રોજ હસમુખ ઉર્ફે હર્ષદ પતિ સંદીપગીરીનો મિત્ર હોય પોતાની સાથે સંદીપગીરીને કોઈ કામ અર્થે લઇ ગયો હતો ત્યારબાદ પતિ ઘરે પરત ફર્યા ન હતા. જે બાદ પરિણીતાને હસમુખનાં મૃતદેહ મળ્યા અંગે જાણ થતાં તેઓ પોલીસ સમક્ષ દોડી ગયાં હતા અને તેમણે મૃતદેહ હસમુખનો નહિ પણ પોતાના પતિનો હોવાની આશંકા દર્શાવતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં પરિણીતાની આશંકા યથાર્થ ઠરી હતી અને મૃતદેહ સંદીપગીરી અમૃતગીરી ગોસ્વામી (ઉ.વ.39)વાળાની હોવાની પુષ્ટિ થઇ હતી.
મુંબઈ સાથે જવાનું કહી સંદીપગીરીને મોટા મહીકા લઇ ગયો’તો
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત તા. 25 ડિસેમ્બરનાં રોજ હસમુખ ઉર્ફે હર્ષદ ધાણજા નાગેશ્વર વિસ્તારમાં રહેતા સંદીપગીરીનાં ઘરે ગયો હતો અને આપણે કોઈ કામથી મુંબઈ જવાનું છે તેમ કહી સંદીપને ગોંડલનાં મોટા મહીકા ગામે લઇ ગયો હતો. જ્યાં ઠંડા કલેજે હત્યા નીપજાવી મૃતદેહને સળગાવી નાખ્યો હતો.
શાપરનાં સગીરની મદદથી યુવકની હત્યા કરાઈ
મૃતદેહની ખરાઈ થયાં બાદ ગોંડલ તાલુકા પોલીસ અને એલસીબીએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરતા હસમુખ ઉર્ફે હર્ષદ ધાણજા(વ્યાસ)ની શોધખોળ હાથ ધરી છે. જયારે પોલીસે આ મામલે વધુ તપાસ કરતા હસમુખે શાપરના સગીરની મદદથી સંદીપગીરીને પતાવી દીધાનો ખુલાસો થયો હતો.