૧૨ સત્સંગ મંડળના ૪૫૦થી વધુ હરિભકતોએ ગોંડલને ગોકળિયુ બનાવી દીધું: શનિવારથી સાર્ધ શતાબ્દી મહોત્સવનો આરંભ.
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા સમયે સમયે વિવિધ સામાજિક કાર્યોનું આયોજન થતું રહે છે. અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વર્ષ ૨૦૧૬ થી જ વિશેષ સામાજિક કાર્યોની ભગીરથી વહાવવામાં આવી હતી. જેમાંની એક પ્રવૃતિ હતી સ્વચ્છતા અભિયાન. છેલ્લા બે વર્ષથી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાનને વધાવતા અક્ષર મંદિર દ્વારા ગોકુળિયા ગોંડલને રમણીય બનાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ગોંડલ શહેરના રાજકીય આગેવાનો, અગ્રણીઓ તથા મહાનુભાવોનો પણ સાથ અને સહયોગ પ્રાપ્ત થયો હતો. ગોંડલ શહેરની અંદર ચાલતા ૧૨ જેટલા મંડળોના ૪૫૦થી વધારે હરિભકતો સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાયા હતા. આ સ્વયંસેવકોના ૪ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા અને ગોંડલના અનેક વિસ્તારો જેવા કે ભગવતપરામાં આવેલી સરકારી હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, યોગીનગર અને આશાપુરા રોડ જેવા વિવિધ વિસ્તારોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાનમાં અક્ષર મંદિર તરફથી ચાર ટ્રેકટર્સ તથા ચાર યુટિલિટી વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોંડલ નગરપાલિકા તરફથી પણ આ સમગ્ર અભિયાનમાં સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અતિ ઉચ્ચ અભ્યાસ કરનાર સંતો સ્વયં સેવામાં જોડાઈને લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે પ્રેરણા આપતા હતા. પર્યાવરણના જતન અને જાગૃતિ માટે અક્ષર મંદિર દ્વારા વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઝુંબેશમાં ૧૭,૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે સાથે ૪૦૦ જેટલા લીમડાના છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વેરી તળાવમાંથી કાપયુકત માટી દુર કરીને વેરી તળાવની ક્ષમતા વધારવાની કામગીરી અક્ષરમંદિર દ્વારા હાથ ધરાઈ. જેમાં ૧૩૦૦૦ ટ્રેકટર અને ૪૫૦૦ મોટા ડમ્પર દ્વારા કાપ દુર કરાયો હતો. વેરી તળાવની પાણી સંગ્રહણ ક્ષમતા વધારાઈ છે. અંદાજે ૨૭ કરોડ ૯૫ લાખ ૬૪ હજાર લીટર પાણી વધારે સમાવી શકાશે. અક્ષર મંદિર પાછળ આવેલી ગોંડલી નદીનું ઉંડાણ વધાર્યું. વેલ, કાદવ, પથ્થર તથા માટી કાઢી અંદાજે પાંચેક ફૂટ ઉંડાઈ વધારી જળ ક્ષમતા વૃદ્ધિ સાથે જળ શુદ્ધિ કરી. અહીં ૭૦૦૦ ડમ્પર માટી કાપ બહાર કાઢી નદી સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
આ સફાઈમાં ગોંડલના બાઈ-ભાઈ હરિભકતો જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન દરમિયાન એક રકતદાન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રકતદાન યજ્ઞમાં ૨,૧૯,૪૫૦ સીસી રકત એકઠું કરાયું હતું. કુલ ૬૨૭ જેટલા સંતો-હરિભકતોએ રકતદાન કર્યું હતું. સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો તેમજ ૬૨૭ જેટલા હરિભકતોએ રકતદાન કર્યું હતું. આ સમગ્ર અભિયાનમાં ૨,૧૯,૪૫૦ સીસી રકત એકત્ર કરવામાં આવ્યું હતું. જે જરૂરીયાતમંદ લોકોને પહોંચાડયું હતું.