પાવાગઢ, અંબાજી, દ્વારકા અને બહુચરાજી સહિતના તીર્થસ્થળોની સુવિધામાં વધારો કરાશે: તમામ યાત્રાધામના સ્થળોએ સ્વચ્છતા જળવાઇ તે માટે મુખ્યમંત્રીની અધિકારીઓને તાકીદ
ગુજરાત રાજ્યના યાત્રાધામનો વિકાસ અને વિવિધ સુવિધા ઉભી કરવા માટે સરકાર દ્વારા 334 કરોડના 64 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત અંબાજી, દ્વારકા, પાવાગઢ અને બહુચરાજી તેમજ કચ્છ-માતાનો મઢ અને માધવપુરના કૃષ્ણ-રૂક્ષ્મણીધામ વગેરોનો સર્વગ્રાહી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. અંબાજી શક્તિપીઠ ખાતે ત્રિ-દિવસીય પરીક્રમા મહોત્સવ યોજાશે. તે સાથે 8 પવિત્ર યાત્રાધામોમાં 24 કલાક હાઇ એન્ડ સ્વચ્છતા જાળવણી માટે 17 કરોડનું પણ બજેટ ફાળવવામાં આવ્યું છે.
તીર્થસ્થાનો ઉપર શ્રધ્ધાળુઓની સંખ્યામાં દિનપ્રતિદીન જંગી વધારો થતા સરકારે યાત્રાધામોની સુવિધા વધારવા નિર્ણય કર્યો છે. તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજીને રાજ્યના પવિત્ર યાત્રાધામોને વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમિક્ષા હાથ ધરી હતી. તેમાં 8 પવિત્ર યાત્રાધામોના 28 અન્ય મહત્વના યાત્રાધામો અને 358 સરકાર હસ્તકના દેવ સ્થાનકોના વિવિધ વિકાસ કામોની પ્રગતિ તથા ભાવિ આયોજન અંગે ચર્ચા કરાઇ હતી. માતૃ તર્પણ ભૂમિ ગણાતા સિદ્વપુર તીર્થ ક્ષેત્ર તથા અનુસૂચિત જાતિ-જનજાતિના પવિત્ર આસ્થા સ્થાનોના સર્વાંગી વિકાસ માટે નાણા ફાળવણી કરાશે. રાજ્યના 349 ધાર્મિક યાત્રા સ્થાનોમાં સોલાર એનર્જી સિસ્ટમ કાર્યરત થતા વાર્ષિક 3 કરોડ રૂપિયાની વીજ બચત થઇ રહી છે.
મુખ્યમંત્રી દ્વારા યાત્રાધામમાં 24 કલાક સ્વચ્છતા જળવાઇ રહે તે માટે બેઠકમાં તાકીદ કરાઇ હતી. બેઠકમાં આગામી સમયમાં અંબાજીમાં શક્તિપીઠનો ત્રિ-દિવસીય પરિક્રમા યોજવાનો નિર્ણય લેવાયો હતો. તે ઉપરાંત દહેગામ પાસેના કંથારપુરના વિશાળ વડના વિકાસના પ્રથમ તબક્કા માટે છ કરોડ, માધવપુરમાં 48 કરોડ, માતાના મઢ ખાતે 32 કરોડના વિકાસ કામના આયોજનની ચર્ચા થઇ હતી.
શ્રવણ તીર્થ દર્શનનો 1.18 લાખ યાત્રાળુઓએ લાભ લીધો
વરિષ્ઠ નાગરિકોને તીર્થ સ્થાનના દર્શનનો લાભ આપવા શરૂ કરાયેલી શ્રવણ તીર્થ દર્શનનો 1.18 લાખ યાત્રાળુઓએ લીધો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં પ્રવાસન – યાત્રાધામ સચિવ હારિત શુક્લા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ હારિત શુક્લા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું. બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.