કોરોનાથી કળ વળ્યાં બાદ હવે અચ્છે દિન ખૂબ નજીક: કૃષિ ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન અને એક્સપોર્ટમાં વધારો બજારોને વેગવંતી બનાવી દેશે
તમામ ધંધાઓને ફરી ધમધમતા કરવામાં શિયાળુ પાક ચાવીરૂપ ભૂમિકા ભજવશે: બજારોની દિવાળી બાદની રોનક જોવા જેવી હશે
સંવત ૨૦૭૬ને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષમાં લોકોને કોરોનાના કારણે ખૂબ કપરા દિવસોનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે બજારો પણ સુન્ન પડી ગઈ છે. ત્યારે હવે સંવત ૨૦૭૭ આશાઓના નવા કિરણો લઈને આવનાર છે. જે બજારો માટે વિક્રમ સર્જન બનનાર છે. આ વર્ષ શરૂ થતા જ કૃષિ ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન અને એક્સપોર્ટમાં વધારો બજારોને વેગવંતી બનાવી દેશે.
કોરોનાની મહામારીએ માત્ર જનજીવનને જ નહિ. પણ અર્થતંત્રને પણ ભારે અસર પહોંચાડી છે. જેને લઈને આખું અર્થતંત્ર પાછળ ધકેલાયું છે. તેવા સમયમાં અર્થતંત્રને બેઠું કરવામાં સરકારે તનતોડ પ્રયાસ કર્યા છે. જે હવે મહદ અંશે સફળ રહેશે તેવી પૂરેપૂરી શકયતા જણાઈ રહી છે. સંવત ૨૦૭૬ દિવાળીએ પૂર્ણ થનાર છે. બેસતા વર્ષથી સંવત ૨૦૭૭ શરૂ થનાર છે. આ નવું વર્ષ લોકો માટે ખુબ સારું રહેનાર છે.
કોરોનાથી બજારની જે માઠી સર્જાઈ હતી. તેને હવે ફરી ઠીક કરવા માટે આ વર્ષના શરૂઆતના દિવસો ખૂબ મહત્વની ભૂમિકા ભજવવાના છે. આ વર્ષમાં બજાર ટનાટન રહેવાની છે. કારણકે તાજેતરમાં મગફળીનો પાક ખૂબ સારો રહ્યો છે. જેના વેચાણથી ખેડૂતોને સારી એવી કમાણી થઈ છે. ખેડૂતોને થયેલી આ આવક હવે ધીમે ધીમે બજારમાં ફરવા લાગી છે. હાલ કૃષિ ક્ષેત્ર અર્થતંત્રમાં મોટાભાગનો હિસ્સો ધરાવે છે. જો ખેડૂતનું વર્ષ સારું જાય તો જ બજારોમાં રોનક રહે તે નક્કી છે.
મગફળીનો પાક સારો રહેતા ખેડૂતોની ખરીદ શક્તિમાં વધારો નોંધાયો છે. જેથી માર્કેટ ધીમે ધીમે બેઠી થવા લાગી છે. આ સાથે નવા વર્ષમાં શિયાળુ પાક ચાવીરૂપ ભૂમિકા ભજવવાનું છે. શિયાળુ પાકનું ઉત્પાદન ખૂબ સારું રહેવાનું છે. જેથી તમામ ક્ષેત્રોને ફાયદો થનાર છે. સામે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો નોંધાઇ રહ્યો છે. તેવી જ રીતે એક્સપોર્ટમાં પણ વધારો નોંધાયો છે. આ બન્નેમાં વધારો માર્કેટને નવી દિશા આપનાર છે.
આમ દિવાળી પછી નવું વર્ષ ખૂબ સારું રહેનાર છે. બજારોમાં રોનક પરત આવશે અને બજારો ટનાટન બનશે તે નક્કી છે. જો કોરોનાની લહેર ફરી ન આવે તો અગાઉથી સર્જાયેલી કપરી પરિસ્થિતિ હટશે અને બજારો ફરી બેઠી થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાને પગલે આવેલા લોકડાઉનના પગલે ઉદ્યોગો-ધંધા-રોજગાર મહિનાઓ સુધી બંધ રહ્યાં હતા. જેને કારણે બજારની માઠી બેઠી હતી. આ સમયે લાગી રહ્યું હતું કે, હવે ફરી બેઠુ થવામાં ઘણો સમય લાગી જશે પરંતુ ચમત્કારીક રીતે માર્કેટ ખુબજ ઝડપથી રીકવર થઈ રહી છે. હાલની સ્થિતિ જોતા નવા વર્ષથી જ માર્કેટ ધમધમતી થઈ જશે જેની સાક્ષી શેરબજાર પણ પુરી રહ્યું છે. સેન્સેકસમાં છેલ્લા ૩ દિવસથી ૧૮૦૦ પોઈન્ટ જેટલો ઉછાળો જોવા મળ્યો છે. માર્ચ મહિના બાદ અત્યાર સુધીમાં સેન્સેકસ ૬૬ ટકા સરભર થયો છે અને નજીકના ભવિષ્યમાં ૫૦,૦૦૦ના આંકને અડી જાય તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે.
આજે પણ સેન્સેકસ ૪૩૦ પોઈન્ટને ટચ કરવામાં સફળ રહ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૩૪૫૦ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. અક્સિીસ બેંક, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, એચડીએફસી અને અલ્ટ્રાટેક સીમેન્ટ સહિતના શેરમાં ૧.૪૦ ટકાથી લઈ ૨.૮૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આજે બેન્કિંગ એન્ડ ફાયનાન્સ, ટેકનોલોજી, ઓટો અને ફાર્માસ્યુટીકલ ક્ષેત્રમાં લેવાલી જોવા મળી હતી. આમ હાલની સ્થિતિ જોવા હવે ચોક્કસપણે કહી શકાય કે અચ્છે દિન ખુબ નજીક છે.
૨૦૨૧નો સંદેશ
વર્ષ ૨૦૨૦માં લોકોના જીવનમાંથી રંગ ઉડી ગયા છે. તેવું આ બ્લેક એન્ડ વાઇટ રંગોળી દર્શાવે છે. વર્ષ ૨૦૨૦ હવે ગયું તો ગયું બસ જેમ ચહેરો ધોઇને ફેશ થઇ જવાય તેમ વર્ષ ૨૦૨૦ ને ભૂલીને વર્ષ ૨૦૨૧ માટે ફ્રેશ થઇને સજજ રહેવાનું છે. આ નવું વર્ષ જીવનમાં ફરી રંગો ભરશે તેવો સંદેશ રંગોળીમાં અપાયો છે. આ રંગોળી જામનગરના આર્ટિસ્ટ રીઘ્ધીબેન શેઠ દ્વારા તૈયાર કરાઇ છે. જેને ખુબ લોકચાહના મળી રહી છે. (તસવીર: હિરેન દોશી-જામનગર)