દર મહિને ૧.૨ કરોડ ફોનનું પ્રોડક્શન કરશે: ૩૫ એકરમાં નવુ યુનિટ બનાવાયું
કોરિયન ટેલિકોમ કંપની સેમસંગે નોઇડા સ્થિત પોતાની ફેક્ટરીનું વિસ્તરણ કર્યું છે. સોમવારે પીએમ મોદી અને નોર્થ કોરિયન પ્રેસિડન્ટ મૂન-જે-ઈન આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ દુનિયાનું સૌથી મોટો પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે જે દર મહિનામાં ૧.૨ કરોડ ફોનનું પ્રોડક્શન કરશે. આ પગલાથી ભારતમાં થતાં સેમસંગના પ્રોડક્શનમાં બમણો વધારો થશે.
ઉલ્લેખનીય છે કે વર્ષના અંત સુધીમાં ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સનો આંકડો ૩૪ કરોડને વટાવી જશે. રિસર્ચ મુજબ ચીન બાદ ભારત દુનિયાનું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે નોઇડા યુનિટમાં પ્રોડક્શન વધારવાનો સેમસંગે નિર્ણય લેવાનો આ શ્રેષ્ઠ સમય ન હતો. ભારતમાં મોટા ભાગના સ્માર્ટફોન યૂઝર્સ યુવાનો છે. જેમાં છેલ્લા કેટલાંક વર્ષોથી સતત વધારો થઈ રહ્યો છે.
૨૦૧૭માં ભારતમાં કુલ ૨૯.૯ કરોડ સ્માર્ટફોન યૂઝર્સ હતા, જે આ વર્ષના અંત સુધીમાં વધીને ૩૪ કરોડ થઈ શકે છે. ઉપરાંત ૨૦૨૨ સુધીમાં ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સનો આંકડો ૪૪ કરોડ ૨૦ લાખને પણ વટાવી શકે છે. સૂત્રો મુજબ સેમસંગે નોઇડા સ્થિત આ પ્લાન્ટેન એક્સપેન્ડ કરવા માટે ૪૯૧૫ કરોડ રૂપિયાનો ખર્ચો ખર્યો છે. સેમસંગના અધિકારીઓએ કહ્યું કે આ પગલાંથી ભારતમાં હજારો નોકરીઓ ઉભી થશે.
અહીં બનાવવામાં આવનાર સ્માર્ટફોન માત્ર ભારતીય માર્કેટમાં જ વેચવામાં નહીં આવે પણ તેને યુરોપ, પશ્ચિમી એશિયા અને આફ્રિકામાં પણ એક્સપોર્ટ કરવામાં આવશે. હાલમાં સેમસંગનું યુનિટ છે તેને અડીને ૩૫ એકરમાં નવું યુનિટ બનાવવામાં આવ્યું છે. કંપની સૂત્રો દ્વારા આ પગલાંથી સ્માર્ટફોન અને રેફ્રીઝરેટર બંનેના પ્રોડક્શનમાં બમણો વધારો થશે. અન્ય એજન્સીઓ પાસેથી ડિવાઈસના પાર્ટ મંગાવવામાં આવશે અને નોઇડાના આ પ્લાન્ટમાં તેને એસેમ્બલ કરવામાં આવશે.
૧૯૯૫માં નોઇડામાં સેમસંગનો પ્લાન્ટ સ્થપાયો હતો, શરૂઆતમાં અહીં ટેલિવિઝનનું પ્રોડક્શન કરવામાં આવતું હતું, જો કે બાદમાં સ્માર્ટફોનનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું હતું. માહિતી મુજબ ૧૯૯૭થી આ પ્લાન્ટમાં ટીવીનું પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું હતું અને વર્ષ ૨૦૦૩માં આ પ્લાન્ટમાં રેફ્રીઝરેટરનું પ્રોડક્શન શરૂ કરાયું હતું. ૨૦૦૫ સુધીમાં તો સેમસંગે ટીવી પેનલ માર્કેટમાં આગવું સ્થાન મેળવી લીધું હતું ૨૦૦૭માં સેમસંગે નોઇડા સ્થિત પ્લાન્ટમાં મોબાઈલનું પ્રોડક્શન શરૂ કરી દીધું હતું. ભારતમાં કંપનીના બે પ્રોડક્શન પ્લાન્ટ છે જેમાંનો બીજો પ્લાન્ટ તમિલનાડુમાં આવેલો છે ઉપરાંત ભારતમાં કંપનીનાં પાંચ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ આવેલાં છે.