શહેનશાહને ‘બદલાવ’ની ચિંતા: દિગ્ગી રાજાનું સચ કે કોંગ્રેસ ઉપર દાવ?
વિધાનસભા ચૂંટણી નજીક આવતા મધ્યપ્રદેશ રાજકીય સમરાંગણમાં ફેરવાઈ ચૂકયું છે. જો કે, આ ચૂંટણીમાં રાજકીય પક્ષો સામસામે નહીં પરંતુ ઈનફાઈટમાં વધુ વ્યસ્ત જણાય રહ્યાં છે. એક તરફ દિગ્વિજયસીંઘ ‘હું પ્રચાર કરીશ તો કોંગ્રેસ મત ગુમાવશે’ તેવું કહેતા હોવાનો વિડિયો વાયરલ થયો છે. જે દિગ્વિજયસિંઘની હૈયા વરાળ અથવા કોંગ્રેસ ઉપર તેમનો પ્રહાર દર્શાવી રહ્યું છે. બીજી તરફ ભાજપ પ્રમુખ અમિત શાહ પણ ટિકિટ ફાળવણી બાદ પક્ષમાં નારાજ નેતાઓને મનાવવાના અત્યારથી પ્રયાસ કરી રહ્યાં છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે બે વખત જવાબદારી નિભાવી ચૂકનાર દિગ્વિજયસિંઘનો વિડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે, મારૂ એક જ કામ છે. કોઈ પ્રચાર નહીં કોઈ ભાષણ નહીં, હું ભાષણ આપુ તો કોંગ્રેસના વોટ કપાઈ જાય છે, હું જતો જ નથી. દિગ્વિજયસિંઘનું આ નિવેદન મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ઉકળતો ચરુ હોવાની વાત પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
ભાજપમાં પણ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી વિદ્રોહ ન થાય તે માટે પ્રયાસો અમિત શાહ કરી રહ્યાં છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની યાદીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે ટિકિટ લેવા માટે ઈચ્છુકોની લાંબી લાઈન ભાજપમાં ભડકો કરાવી શકે તેવી દહેશત છે. ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલા જ કેટલાક મંત્રીઓ અને ઉમેદવારો નારાજ હોવાનું સૂત્રોનું કહેવું છે.
ભાજપ માટે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી કપરા ચઢાણ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. ચૂંટણીમાં એન્ટી ઈન્કમબન્સી રોકવા માટે પણ ભાજપ વધુ પ્રયત્નશીલ છે. બીજી તરફ ભાજપમાં મોટામાથાની નારાજગી પણ પાલવે તેમ નથી. માટે ભારતીય જનતા પક્ષના પ્રમુખ અમિત શાહે જે નેતા પડતા મુકાય તેને વિશ્વાસમાં લેવા માટેનો તખ્તો ઘડી કાઢયો છે.
જેના ભાગરૂપે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની કેબીનેટના મંત્રીઓ તેમજ ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતાઓ વિવિધ જિલ્લાઓમાં જઈ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે અને દરેક મત વિસ્તારમાંથી જેઓ લોકપ્રિય અને સક્ષમ હોય તેવા ત્રણ નેતાઓની પસંદગી ઉમેદવાર તરીકે કરશે. ત્યારબાદ ઉમેદવારની યાદીનો આખરી ઓપ આપવામાં આવશે.
મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે ઘરની આગ ઠારવાના પ્રયાસો વધુ રહેશે. એક તરફ દિગ્વિજયસિંઘ જેવા ધુરંધર નેતાનું નિવેદન કોંગ્રેસની અંદરની ખટરાગ બહાર લાવી રહ્યું છે. બીજી તરફ ભાજપના પ્રમુખ અમિત શાહની પૂર્વ તૈયારીઓ પણ પક્ષની અંદરની આગના ધુમાડા તરફ આંગળી ચિંધી રહી છે.