પીપળી રોડ પરની સનફેમ સિરામિક તેમજ ઘુંટુ રોડ પરની ફેકટરીમાંથી ઝેરી કદળો કેનાલમાં છોડતા ગ્રામજનો માં રોષ
મોરબીની સિરામિક ફેક્ટરીના સંચાલકો ને કોઈ નો ડર ન હોય તેમ ગેસિફાયરનું ઝેરી કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને ગ્રામજનોની ફરિયાદ ને આધારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીનાં રંગપર સહિતના આજુબાજુના ગામના લોકોમાં ઉઠેલી ફરીયાદ મુજબ કેનાલ પાસે આવેલા અમુક સિરામિક એકમો દ્વારા સિરામિકના ગેસી ફાયરનું કેમિકલયુકત પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવે છે. આ બાબતે ગ્રામજનોએ સ્થાનિક પ્રદૂષણ બોર્ડને ફરીયાદ કરી જ્વાબદારો સામે કડક હાથે કામ લેવાની માંગ કરી હતી.
ગ્રામજનોની ફરિયાદ ને પગલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડે દ્વારા બે સ્થળેથી પાણીના નમૂના લઈ પૃથ્થકરણ કરી મોકલ્યા છે. આ અંગે પ્રદૂષણબોર્ડના અધિકારી બી.જી.સૂત્રેજાએ જ્ણાવ્યું હતું કે, પીપળી રોડ પર આવેલા સનફેમ સિરામિક એકમ દ્વારા ગેસી ફાયરનું પ્રદુષિત પાણી નદી નાળામાં ઠાલવી દેવાયું હતું. તેમજ ઘૂટું રોડ પરના સિરામિક એકમે ગેસી ફાયરનું પ્રદુષિત પાણી વરસાદી પાણીમાં વહાવી દીધું છે. આ પ્રકારની ફરીયાદો મળતા જી.પી.સી.બી.નાં અધિકારીઓ દોડી ગયાં હતાં.
વધુમાં બંને જગ્યાઓ પરથી પાણીનાં નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. જો આ અંગે રિપોર્ટ પોઝિટિવ આવશે તો જવાબદાર સિરામિક એકમ સામે કડક કાર્યવાહી કરાશે તેમ પ્રદૂષણ બોર્ડના સત્તાવાર સૂત્રોએ જ્ણાવ્યું હતું.