- રાજ રેસ્ટોરન્ટ, ઓમ ચાઈનીઝ અને મારૂતી પ્રોવીઝનમાંથી અખાદ્ય ખોરાક મળી આવ્યો
- વાણીયાવાડી અને બોલબાલા માર્ગ પર ઠંડા-પીણા, દૂધ અને મસાલા અને ફરસાણના વેપારીઓને ત્યાં આરોગ્ય શાખાનું ચેકીંગ ફરિયાદના આધારે ચકાસણી દરમિયાન ત્રણ સ્થળેથી 32 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મિનરલ વોટરની ત્રણ ફેક્ટરીઓમાંથી નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામ હાથ ધરવામાં આવી છે. આજે વાણીયાવાડી અને બોલબાલા માર્ગ પર ખાણીપીણીની 25 વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના માયાણી ચોકમાં બેકબોન શોપીંગ સેન્ટરની સામે માયાણી નગર શેરી નં.1માં જલપરી બેવરેજીસમાંથી જલપરી પેકેજ્ડ્સ ડ્રિન્કીંગ વોટર, કોઠારીયા રીંગ રોડ ચોકડી પાસે બ્રહ્માણી હોલ નજીક એક્વા ફ્રેશ વોટર ટેકનોલોજીસમાંથી એક્વા ફ્રેશ પેકેજ્ડસ ડ્રિન્કીંગ વોટર અને ખીજડાવાળો રોડ, 3-વિશ્ર્વનગરમાં ગુરૂકૃપા સેલ્સમાંથી હિમાલયન નેચરલ વોટરનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઢેબર રોડ સાઉથમાં નારાયણનગર મેઇન રોડ પર તુલસી ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો છે. વાણીયાવાડી મેઇન રોડ અને બોલબાલા માર્ગ પર 20 પેઢીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 25 નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જંક્શન પ્લોટ વિસ્તારમાં ચેકીંગ દરમિયાન 11 પેઢીને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે.
ફૂડ વિભાગને મળેલી ફરિયાદને આધારે એરપોર્ટ રોડ પર સદ્ગુરૂ વિહાર કોમ્પ્લેક્સમાં મારૂતિ પ્રોવિઝન સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક્સપાયરી થયેલી ચોકલેટ, ઠંડા-પીણા, મસાલા સહિત 20 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ઓમ ચાઇનીઝ એન્ડ પંજાબીમાં ચેકીંગ દરમિયાન 8 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ઢેબર રોડ પર એસ.ટી. બસ પોર્ટની સામે આવેલા રાજ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન ચાર કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.