મરી પાઉડરમાં લોટ અને એસેન્સ, કેરાની વેફર્સમાં નોન પરમીટેડ ઓઈલની ભેળસેળ: પામોલીન તેલ અને થેપલા મીસ બ્રાન્ડેડ
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા મરી પાઉડર, કેરાની વેફર્સ, પામોલીન ઓઈલ અને થેપલાના નમુના પરીક્ષણમાં નાપાસ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તમામ સામે હવે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમ અનુસાર કોર્ટમાં કેસ કરી દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખા દ્વારા પારેવડી ચોકમાં સુપદ ભુડરભાઈ ભૂતની માલિકીના દેવ ફૂડ પ્રોડકટસમાંથી લૂસ મરી પાઉડરનો નમુનો લેવામાં આવ્યો હતો. જેમાં લોટ અને એસેસની ભેળસેળ જોવા મળી હતી. આ મરી પાઉડર ૮૦ ‚પિયા કિલો લેખે વેચવામાં આવતો હતો. જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર મેઈન રોડ પર અનિલભાઈ ચામડીયાની માલિકીની મુસ્કાન વેફર્સમાંથી લૂસ કેરાની વેફર્સનો નમુનો લેવાયો હતો. જેમાં નોન પરમીટેડ ઓઈલ સોલ્યુબર્ઝ સિન્થેટીક ડાયનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. જેનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝમાં થતો હોય છે. જયારે કોઠારીયા રીંગ રોડ પર હર્ષદભાઈ ધીરજલાલ મોદીની માલિકીના ચંપકલાલ ધીરજલાલ મોદી એન્ડ સન્સ માંથી એકવા ફ્રેસ આરબીડી પામોલીન ઓઈલનો નમુનો લેવાયો હતો જે મીસ બ્રાન્ડેડ જાહેર થયો છે અને મવડી પ્લોટમાં ઉમાકાંત પંડિત ઉધોગનગરમાં કેવિન ભરતભાઈ દલસાણીયાની માલિકીના શિવમ્ સ્નેકસમાંથી શિવમ થેપલાનો નમુનો લેવાયો હતો જે મીસ બ્રાન્ડ જાહેર થયો છે. તમામ નમુના પરીક્ષણમાં ફેઈલ થતા હવે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.