ફિનીક્સ આઇસ્ક્રીમ શંકાસ્પદ, અમુલ-ગોપાલ ઘીના નમૂના પરિક્ષણમાં નાપાસ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શોપિંગ મોલ અને સુપર માર્કેટમાંથી બ્રાન્ડેડ કંપનીની ચા, ફ્લેવર્ડ અને ગ્રીન ટીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા જૂના માર્કેટીંગ યાર્ડમાં માનસી એન્ટરપ્રાઇઝમાંથી વામદે ટી, શુભમ ટ્રેડર્સમાંથી અરૂણા ટી, યુનિવર્સિટી રોડ પર બાલાજી સુપર માર્કેટમાંથી બજરંગ ચા, 150 ફૂટ રીંગ રોડ પર રિલાયન્સ મોલમાંથી અમૃત ચા, રવિ ગોલ્ડન ચા, માર્વેલ ટી, મહેશ ચા, પેડક રોડ પર ક્રિષ્ના સુપર માર્કેટમાંથી લુઝ ચા, સરદારનગર મેઇન રોડ પર પીક એન્ડ પેકમાંથી ટી ક્યુફ્સ બ્રાન્ડ ગ્રીન ટી અને જીંજર ફ્લેવર્ડ ટી, કુવાડવા રોડ ડી-માર્ટમાંથી લુપ્ટન બ્રાન્ડ ગ્રીન ટી, યુનિવર્સિટી રોડ પર મેગ્સન મોલમાંથી ટ્યુનીંગ બ્રાન્ડ ગ્રીન ટી, અમીન માર્ગ પર સુપર માર્કેટમાંથી ઓર્ગેનિક ઇન્ડિયા બ્રાન્ડ ટી, અક્ષર માર્ગ પર રાજ જનરલ સ્ટોરમાંથી ગીરનાર બ્રાન્ડ ગ્રીન ટી, જૂના માર્કેટીંગ યાર્ડમાં ભાગ્યેલક્ષ્મી ટ્રેડર્સમાંથી લગડી બ્રાન્ડ ફ્લેવર્ડ ટી, અક્ષર માર્ગ પર કસ્તૂરી સુપર માર્કેટમાંથી ટાટા બ્રાન્ડ ઇલાઇચી ફ્લેવર્ડ ટી અને અમિન પાર્ક પર ચંદન સુપર માર્કેટમાંથી સોસાયટી બ્રાન્ડ મસાલા ફ્લેવર્ડ ટીનો નમૂનો લેવામાં આવ્યો હતો.
દરમિયાન ફૂડ વિભાગ દ્વારા મોરબી રોડ પર જૂના જકાતનાકા સામે ન્યૂ જલારામ મેઇન રોડ પર ફિનીક્સ એજન્સીમાંથી ફિનીક્સ આઇસ્ક્રીમ સ્પેશ્યલ થાબડીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન લેબલ પર મિડીયમ ફેટ ફ્રોઝન ડેઝર્ટ એન્ડ હાઇડ્રોજેનેટેડ ફેટ દર્શાવવામાં આવેલા ન હોવાના કારણે અધિ.કલેક્ટર દ્વારા નમૂનો આપનાર મુકેશ લીંબાસીયા પાસેથી રૂ.10 હજાર, ઉત્પાદન પેઢીના નોમીની કાંતિભાઇ બાવરવા પાસેથી રૂ.25 હજાર અને ફિનીક્સ મિલ્ક પ્રોડ્ક્ટ પાસેથી રૂ.1 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. દરમિયાન મવડી વિસ્તારમાં વસવાટ કરતા દિપકભાઇ ચંદ્રકાંતભાઇ ગણાત્રાને ત્યાંથી શંકાસ્પદ જણાતા અમુલ શુદ્વ ઘી અને ગોપાલ શુદ્વ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂના ફેઇલ ગયા છે. તેન પાસેથી રૂ.25 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે રાખીને જામનગર, શેઠ નગર, માધાપર અને ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન 12 પેઢીઓને ફૂટ લાઇસન્સ અને રજીસ્ટ્રેશન મામલે માહિતી આપવામાં આવી હતી.