રામ ઔર શ્યામ, આઝાદ હિંદ, શ્રી સોમેશ્વર આઈસ ફેકટરી, રાજ ગોલા અને જય ભવાની એન્ટરપ્રાઈઝમાંથી અલગ-અલગ ખાદ્ય-સામગ્રીનાં નમુના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ શાખા દ્વારા લેવામાં આવેલા પનીર, મરચા પાઉડર, હિંગ સહિતની ખાદ્ય-સામગ્રીનાં નમુનાં પરીક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. વેપારીઓ સામે હવે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા દ્વારા લાખાજીરાજ રોડ પર પ્રહલાદ સિનેમા સામે ક્રિમ સેન્ટર, બ્રાહ્મણીયાપરા શેરી નં.૨માં ગોવિંદબાગ નજીક શ્રીરામ ડેરી, રૈયા રોડ પર ઉમિયા મસાલા માર્કેટમાં રઘુવીર મરચા અને મા‚તી મસાલા ભંડારમાંથી પનીર, રેશમપટ્ટો મરચું, સનસંયુકત બાંધાની હિંગ અને ગોલામાં ઉપયોગમાં લેવાતા શીરપનાં નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

જેમાં પનીરમાં વેજીટેબલ ફેટની હાજરી જોવા મળી હતી ત્યારે મરચામાં સબસ્ટાન્ડર્ડ જળવાતું ન હતું. હિંગમાં એફએસએસએઆઈનો લોગો અને લાયસન્સ નંબર ઈન્ગ્રીડીયન્સ, મેન્યુફેકચરીંગ તથા પેકેજમાં અધુરું એડ્રેસ જોવા મળતાં નમુના પરીક્ષણમાં ફેઈલ થયા છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ફુડ વિભાગ દ્વારા કાલાવડ રોડ પર રામ ઔર શ્યામ ગોલામાંથી રાજભોગ ફલેવર શીરપ, પેડક રોડ પર આઝાદ હિંદ ગોલામાંથી પાઈનેપલ ફલેવર સિન્થેટીક શીરપ, ઈન્દિરા સર્કલ નજીક સોમેશ્વર આઈસ ગોલામાંથી લીંબુ, લેમન આઈસ ગોલા, ૧૫૦ ફુટ રીંગ રોડ પર રાજ ગોલામાંથી કેટેબરી ફલેવર શિરપ અને કાલાવડ રોડ પર જય ભવાની એન્ટરપ્રાઈઝમાંથી સ્ટ્રોબેરી ક્રસનો નમુનો લઈ પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.

ઉનાળાની સીઝનમાં ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે લીંબુસ કોલ્ડ્રીકસ, જીગર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જીત કોલ્ડ્રીંકસ સહિતની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત મળી આવેલા ૫૦ નંગ વાસી પફ, એકસપાયરી વિતી ગયેલી ૪ લીટર કોલ્ડ્રીંકસની બોટલો અને ૫૦૦ ગ્રામ જેટલા વાસી લીંબુનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.