દેવપુષ્પ મેડિકલ સ્ટોર, પેટસન ફાર્મા, વોલ્ગા કોર્પોરેશન અને નંદનવન ડેરી ફાર્મમાંથી લેવાયેલા નમુના પરિક્ષણમાં નાપાસ જાહેર
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થના ચાર નમૂના ફેઇલ જાહેર થતા એઝ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સમક્ષ કેસ ચાલતા રૂ.21.05 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના રૈયા રોડ પર દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાંથી એલકેમ એટુઝેડ એનએસપ્લસ ન્યૂટ્રીશ્યુટીકલ્સ ટેબ્લેટનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન ફૂડ એડીટીવ્સને લગત ડિક્લેરેશનમાં વિગતો દર્શાવવામાં આવી ન હોય નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર થતા નમૂનો આપનાર એફબીઓ તથા પેઢીના પાર્ટનર પ્રજ્ઞેશભાઇ સુચક, પ્રવિણભાઇ ઉનડકટ, રિટેલર હોલસેલર પેઢી દેવપુષ્પ મેડિકલ સ્ટોર, ડિસ્ટ્રીબ્યુટર પેઢીના માલિક અનિમેશ દેસાઇ, હોલસેલર પેઢીના નોમિની નરેન્દ્ર પંચાલ, ઉત્પાદક પેઢીના નોમિની રવિન્દ્ર ચકીલમ તથા ઉત્પાદન અને હોલસેલર પેઢી અલકેમ લેબોરેટરી સહિત તમામને રૂ.9.40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત 16-પંચનાથ પ્લોટમાં અરિહંત એપાર્ટમેન્ટ પેટશન ફાર્મામાંથી પ્રો-એટુઝેડ ડાયટરી સમ્પીમેન્ટ ટેબ્લેટ નમૂનો લેવાયો હતો. જેમાં રિપોર્ટ દરમિયાન વિટામીન-સીની માત્ર લેબલ પર દર્શાવેલી વિગતો કરતા ઓછી જણાતા નમૂનો નાપાસ જાહેર કરાયો હતો. નમૂનો આપનાર એફબીઓ દિપકકુમાર પાંભર, પેઢીના માલિક નવનીતભાઇ પાંભર, સ્ટોકીસ્ટ પેઢીના માલિક જીગ્નેશકુમાર શાહ, નોમીની રાકેશ મંડન, પ્રો બાયોટેક સુપર સ્ટોકીસ્ટ પેઢી, ઉત્પાદન પેઢીના નોમીની ધર્મેશ સોની તથા ઉત્પાદન પેઢી મેક્સ ન્યૂટ્રાશીટીકલ સહિત તમામને 6.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત દાણાપીઠ-પરાબજારમાં વોલ્ગા કોર્પોરેશનમાંથી નવનીત પ્યોર ઘીનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. રિએનાલીસીસ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાર્ડડ જાહેર થતા નમૂનો આપનાર પેઢીના ભાગીદાર અને નોમીની ભુવનેશ દિપક ચંદ્રાણી તથા ઉત્પાદક વોલ્ગા કોર્પોરેશનને રૂ.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે ગોકુલપાર્કમાં દુકાન નં.3 સ્થિત નંદનવન ડેરીમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો નાપાસ જાહેર થયો હતો. નમૂનો આપનાર પેઢીના સંચાલક ભરતભાઇ ભૂવા અને રિટેલર પેઢીના માલિક-પરવાનેદાર પ્રતિક વસાણીને રૂ.20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.