સદર બજાર અને જવાહર રોડ પર અલગ અલગ ચાર સ્થળેથી નોનવેઝના નમૂના લેવાયા: ૩ હોકર્સ ઝોનમાં ચેકિંગ, ૪૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલા ચાંદની ચીકી, અખિલેશ બ્રાન્ડ ચીકી અને સાત્વીક પીનટ ચીકીના નમૂના પરિક્ષણમાં નાપાસ થયાનું જાહેર થયું છે. સદર બજાર અને જવાહર રોડ પર અલગ અલગ ચાર સ્થળોએથી નોનવેજના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્રણ હોકર્સ ઝોનમાં ૪૨ રેકડીયોમાં ચેકિંગ દરમિયાન ૪૦ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા નમૂના દરમિયાન જાગના પોલીસ ચોકી સામે જાગના પ્લોટમાં ચાંદની સીઝન સ્ટોર્સમાંથી લેવામાં આવેલો ચીકીનો નમૂના પર એફએસએસઆઈ લોગો, વેજ-નોનવેજ લોકો, ઉત્પાદન તારીખ, બેસ્ટ બીફોર તારીખ, ન્યુટ્રીશન ઈન્ફોર્મેશન, ઈન્ગ્રીડીયન્સ લીસ્ટ અને લાયસન્સ નંબર દર્શાવવામાં આવ્યા ન હતા. જ્યારે એસ્ટોન સિનેમા ચોકમાં રાધે ચેમ્બરમાં આવેલ શ્રી અખિલેશ કોલ્ડ્રીકસમાંથી અખિલે બ્રાન્ડ ગોળ સિંગ ચીકીનો નમૂનો લેવાયો હતો. પેકેટ પર લાયસન્સ, એફએસએસઆઈ લોગો, બેંચ નંબર, ઉત્પાદન તારીખ દર્શાવવામાં આવેલ ન હતી. જ્યારે ટાગોર રોડ પર રાજરત્ન કોમ્પલેક્ષમાં સાત્વીક ફૂડ પ્રોડકટમાંથી સાત્વીક બ્રાન્ડ પીનટ ચીકીના પેકેટનો નમૂનો લેવાયો હતો. જેના ઉપર ઉત્પાદન વર્ષ દર્શાવવામાં આવેલ ન હોય. આ ત્રણેય નમૂના પરિક્ષણમાં નાપાસ યાનું જાણવા મળ્યું હતું. સામાન્ય રીતે શિયાળાની સીઝનમાં ચીકીનું વેંચાણ વધુ માત્રામાં તું હોય છે. આશ્ર્ચર્યજનક રીતે એક માસ પૂર્વે લેવામાં આવેલા ચીકીના નમૂનાનો રિપોર્ટ હવે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે માણસો લાખો કિલો ચીકી પોતાના પેટમાં પધરાવી ચૂકયા છે.
આરોગ્ય શાખા દ્વારા સદર બજારમાં ભારમલ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સમાંથી પ્રીપેડ લુઝ ચીકન મસાલા, એ-વન કેટરર્સમાંથી ચીકન કડાઈ, બાબજી ગ્રીલ કીચનમાંથી પ્રિપેડ લુઝ બટર ચીકન સબજીના જ્યારે જવાહર રોડ પર હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટમાંથી લુઝ પ્રિપેડ મટન મસાલા સબજીના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના પેડક રોડ, અમીન માર્ગના છેડે, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રોડ પર અને સાધુ વાસવાણી રોડ પર આવેલ હોકર્સ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ૪૨ દુકાનોમાં ચેકિંગ દરમિયાન મળી આવેલ ૪૦ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.