ગાયના ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ, દિવેલના ઘીમાં ફોરેન ફેટની હાજરી મળી આવી: જીરૂ અને રાયના નમૂના પણ અનસેફ ફૂડ જાહેર કરાયા
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પરિક્ષણ અર્થે લેવામાં આવેલી ખાદ્ય સામગ્રીના પાંચ નમૂના નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દિવેલનું ઘી, ગાયનું ઘી અને લૂઝ જીરાના નમૂનાને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કાળી મરી અને રાયનો નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નાનામવા મેઇન રોડ પર દ્વારકાધીશ નાસ્તામાંથી ગાયના ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જે પરિક્ષણ દરમિયાન આ નમૂનામાંથી ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે વિશ્ર્વેશ્વર મંદિર પાછળ મારૂતિ નંદન-3ના કોર્નર પર આવેલી કૃણાલ ભીમજીભાઇ વઘાશીયાની ખોડીયાર પ્રોવિઝન સ્ટોર્સમાંથી લૂઝ દિવેલના ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કોઠારીયામાં માલધારી ફાટક પાસે વરૂણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નિલેશભાઇ છગનભાઇ અમૃતીયાના સુગંધ એન્ટરપ્રાઇઝમાંથી લૂઝ જીરાનો નમૂનો લેવાયો હતો. તપાસ દરમિયાન એક્સ્ટ્રાનિયસ મેટર વધુ અને નોનવોલેટાઇલ ઇથર એક્ટ્રેક ઓછી હોવાથી નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. 150 ફૂટ રીંગ રોડ પર સ્ટ્રર્લીંગ હોસ્પિટલ સામે જય ખોડીયાર મસાલા માર્કેટમાં યમુનાજી મસાલામાંથી લૂઝ કાળી મરીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં મિનરલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો અનસેફ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે આર.ટી.ઓ પાસે જૂના માર્કેટીંગ યાર્ડમાં મૌલિનભાઇ હસમુખભાઇ કટારીયાની શ્રીરાઘવ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાયનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં સિન્થેટીક કલર, કાર્મોઝીન અને બ્લૂ કલરની હાજરી મળી આવતા નમૂનો અનસેફ જાહેર કરાયો છે.
આરોગ્ય શાખા દ્વારા આજે પેડક રોડ પર પ્રભાત ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને સેટેલાઇટ ચોક પાસે શ્રીરામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે રેલનગર અને પોપટપરા વિસ્તારમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ભેરૂનાથ આઇસ્ક્રીમ, સાઉથ કા કમાલ, મોમાઇ ફરસાણ માર્ટ, દેવશ્રી પાણીપુરી, ભોલે પ્રોવિઝન સ્ટોર્સ, શક્તિ પ્રોવિઝન સ્ટોર્સ અને હિંગળાજ પ્રોવિઝન સ્ટોર્સને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.