સરગમ કલબ દ્વારા બહેનો માટે સમર ટ્રેનીંગ કલાસનો પ્રારંભ
મેયર બીનાબેન આચાર્ય, ગાયત્રીબા વાઘેલા, ભાનુબેન બાબરીયા, જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઇ શેઠ સહિતના આગેવાનોની ઉ૫સ્થિતિ
છેલ્લા ૨૦ વર્ષથી નિયમિત રીતે બહેનો માટે સરગમ ક્લબ ધ્વારા યોજાતા સમર ટ્રેનિંગ ક્લાસનું આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્લાસનો પ્રારંભ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીએ સરગમ ક્લબની આ પ્રવૃત્તિને બિરદાવી હતી અને કહ્યું હતું કે, સમાજ પાસેથી મેળવેલું સમાજને જ પાછું આપવાની ભાવના સરગમ ક્લબ પાસે છે અને તેની સેવા પ્રવૃતિઓથી જ શહેર સાંસ્કૃતિક પ્રવૃતિઓથી ધબકતું રહે છે.
આ ઉદઘાટન સમારોહમાં મેયર બીનાબેન આચાર્ય ઉપરાંત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઈ શેઠ, કેળવણીમંડળના ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કર, જોહર કાર્ડ્સના યુસુફભાઇ માંકડા, ઉદ્યોગપતિ નરેશભાઈ લોટીયા ઉપરાંત ડો. ચંદાબેન શાહ, સરગમ સલાહકાર સમિતિના સભ્ય સુધાબેન ભાયા, કાંતાબેન કથીરિયા, કુંદનબેન રાજાણી , ચંદ્રિકાબેન ધામેલીયા, રેણુકાબેન યાજ્ઞિક, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કમલેશભાઈ મીરાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મોટી ટાંકી ચોકમાં આવેલી કોટક સ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે ગુણવંતભાઈ ડેલાવાલાએ આ સમર ટ્રેનિંગ ક્લાસની માહિતી આપી હતી અને કહ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી મહાવીર સેવા ટ્રસ્ટ, રાજ બેન્ક, રાધિકા જવેલર્સ અને બાન લેબ્સના સહયોગથી બહેનો માટે ટોકન દરે સમર ટ્રેનિંગ ક્લાસનું આયોજન કરવામાં આવે છે અને વિવિધ વિષયના નિષ્ણાતો ધ્વારા બહેનોને રોજગાર લક્ષી તાલીમ આપવામાં આવે છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત મેયર બીનાબેન આચાર્યે કહ્યું હતું કે, સરગમ ક્લબ આ પ્રકારે તાલીમ કેમ્પ યોજીને બહેનોની સેવા કરે છે સાથોસાથ તેમની સેવાનો લાભ શહેરના વિવિધ વિસ્તારો સુધી પહોંચે છે જે સરાહનીય છે. જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઈ શેઠ અને કેળવણી મંડળના ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કરે પણ પોતાના ઉદબોધનમાં આજની સમાજ રચના માટે આ પ્રકારના તાલીમ કેમ્પ મહત્વના હોવાનું જણાવી સરગમ ક્લબને અભિનંદન આપ્યા હતા. આ સમર ટ્રેનિંગ ક્લાસમાં ૬૦૦થી વધુ બહેનો ભાગ લઇ રહી છે.આ કેમ્પમાં શહેરની કોઈ પણ બહેનો ટોકન દરથી જોડાઈ શકે છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુણવંતભાઈ ડેલાવાળાએ કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મનમોહન પનારા ઉપરાંત લેડીઝ ક્લબના ડો.ચંદાબેન શાહ, સુધાબેન ભાયા, જયશ્રીબેન રાવલ, જશુમતીબેન વસાણી , અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી , જયશ્રીબેન વ્યાસ, વિપુલાબેન હિરાણી ,અલ્કાબેન ધામેલીયા, હેતલબેન થડેશ્વર , ભાવનાબેન મહેતા, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, મીનાક્ષીબેન જોશી, રંજનબેન વોરા, દર્શનાબેન ભંડેરી, નિશાબેન ખંધેડીયા , વંદનાબેન શેઠ વગેરેએ જહેમત ઉઠાવી હતી.