નર્મદાના નીરનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જીલ્લાને મળવાનો છે,મળી રહ્યો છે. તેવી મંત્રીઓ, નેતાઓ અવારનવાર ભાષણોમાં વાત કરતા હોય છે, જ્યારે વાસ્તવીકતા એ છે કે, સુરેન્દ્રનગર જીલ્લામાં કેટલીક નર્મદા કેનાલો ભ્રષ્ટાચારની પ્રતિક બની છે. ધ્રાંગધ્રા તાલુકાનાં જશાપર ગામે આવેલી 6 પેટા કેનાલોમાંથી માત્ર એકજ કાર્યરત છે. જ્યારે પાંચ પેટા કેનાલોનું કામલાંબા ખાડા ખોદી વર્ષોથી અધુરૂ મુકી દેવાતા ખેડુતો આમ જનતાને પુરો લાભ પણ મળતો નથી.
આ અંગેની વધુ વિગત એવી છે કે,ધ્રાંગધ્રાના જશાપર ગામેથી નીકળતી મોરબી બ્રાન્ચ કેનાલની પેટા કેનાલો આવેલ છે. સરકારી ચોપડે 6 જેટલી પેટા કેનાલોનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ આ તમામ પેટા કેનાલોમાંથી માત્ર એક જ કેનાલ કાર્યરત છે. અન્ય પાંચ કેનાલોના કામ અધુરા છે. જેમાં માત્ર 20 ફુટના અંતર સુધી પેટા કેનાલ બનાવાઈ છે. પેટા કેનાલના નકશામાં આવતા ખેડુતોને જેતે સમયે વળતર પણ ચુકવી દેવાયેલ છે. લાંબા ખાડા ખોદી નખાયા છે. ત્યારપછી કામગીરી સ્થગીત કરી દેવામાં આવેલ છે.
અધુરા રહેલા કામોને કારણે સરકારના કરોડો રૂા. રોકાયા છે. અને લોકોને પાણી પણ મળતુ નથી. છ માંથી એક કેનાલ જે કાર્યરત છે તેમાં પણ બાવળની ઝાડી સહીતનો કચરો જમા થયો છે. અને કેટલીક જગ્યાએ પાણી લીકેજ થવાની ઘટનાઓ પણ બનેલ છે. આ બાબતોની ગંભીર નોંધ લઈ નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાકીદે તપાસ કરી યોગ્ય પગલા લેવામાં આવે તેવી ખેડુતોમાંથી માંગ ઉઠવા પામેલ છે