રાજ્ય ખાદ્ય તેલ અને તેલીબીયા એસો.ના પ્રમુખ સમીરભાઇ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવી રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર નજીકની ટેકરીઓ પર ચાલતું ખોદકામ બંધ કરાવી ટેકરીઓ બચાવી લેવા પત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરી છે. મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં સમીરભાઇ શાહે જણાવ્યું છે કે રાજકોટ અને અમદાવાદ હાઇવે પર, બેટી ગામના પૂલ પછી બામણબોર ટોલ ગેઈટ સુધી 10-15 કી.મી. સુધી બંને બાજુ નાની નાની રમણિય ટેકરીઓ આવેલ છે. છેલ્લા કેટલા વખત થી હાઇવે પર થી પસાર થઈએ ત્યારે આ ટેકરીઓનું અત્યંત ઝડપે ખનન (ખોદાણ) થતું દેખાય છે. આ ખનન પ્રવૃત્તિ એટલી ઝડપથી ચાલે છે કે અમુક ટેકરીઓ તો થોડા જ સમયમાં નષ્ટ થઈ ગએલ જણાય છે. હાઇવે પરની ટેકરીઓ આટલી જલ્દી કપાઈ જાય છે તો અંદર ના વિસ્તારોમાં શું હાલ હશે તે કલ્પી શકાય છે.
આ ખનન પ્રવૃત્તિ કાયદેસર થાય છે કે ગેરકાયદેસર તે અંગે તપાસ કરશો
જો આ ખનન કાયદેસર રીતે થઈ રહ્યું હોય તો તે મંજુરી આપતા પહેલાં પર્યાવરણ પર શું અસર થશે? વરસાદની પેટર્ન પર કોઈ વિપરીત અસર થશે કે નહીં? જળ સંચયમાં કોઈ સમસ્યા આવશે કે નહીં? આજુ બાજુ વસેલા ગામોના પશુઓને ચરવાને ફરવામાં શી સમસ્યા આવશે? આ ટેકરીઓમાં વસતા નીલગાય, લોંકડી શિયાળ, શેરા જેવા વન્ય પશુઓ તેમજ અનેક પ્રકારના પક્ષીઓને વસવાટ માટેની સમસ્યા વગેરે મુદાઓની છણાવટ થઈ છે કે નહીં અને તેનો સંભવિત ઉપાય શું છે તે વિચારાયુ છે કે નહીં તેની તપાસ કરશો. ને આ બધા મુદ્દે જો કોઈ વિચારણા ન થઈ હોય તો આ ખનન પ્રવૃર્તિ તાત્કાલિક ધોરણે અટકાવશો તેવી વિનંતી છે.