સાગર સંઘાણી

જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ પાસે ત્રણ દિવસ પહેલાં થયેલી રૂપિયા ૨૦ લાખની લૂંટની ચીલ ઝડપની ઘટના બની હતી ત્યારે ઘટનાનો ભેદ ઉકેલવામાં જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાને મહત્વની સફળતા સાંપડી છે, અને બે લૂંટારૂઓને ઝડપી લઇ કેટલીક રોકડ રકમ કબજે કરી લીધી છે, જ્યારે અન્ય શખ્સ ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરાઓની મદદથી તપાસના આધારે લૂંટારુઓને દબોચ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામની છે જ્યાં જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેઢી ચલાવતા ભૌતિકભાઈ પ્રવીણભાઈ રામોલિયા કે જેઓ ગત ૧૪ મી તારીખે બપોરે એચડીએફસી બેન્ક માં થી રૂપિયા ૨૦ લાખની રોકડ રકમ લઈને એક થેલામાં ભરી માર્કેટિંગ યાર્ડ તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલા બે લૂંટારુઓ તેમના બાઇકની ટાંકી પર રાખવામાં આવેલો થેલો ચીલ ઝડપ કરીને હવામાં ઓગળી ગયા હતા.

ધોળે દહાડે બનેલા આ લૂંટના બનાવને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને જિલ્લા પોલીસવડા એલ.સી.બી. સહિતનો કાફલો દોડતો થયો હતો, અને ચો તરફ નાકાબંધી કરી હતી પરંતુ સમડીઓ ભાગી જવામાં સફળ થયા હતા. દરમિયાન એલસીબીની ટુકડીએ આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે દિવસ રાત ઉજાગરા કર્યા હતા. જેમની સાથે જામજોધપુર ની પોલીસ ટુકડી પણ જોડાઈ હતી.

આખરે લૂંટારુઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. અન્ય જિલ્લા સુધી તપાસનો દોર લંબાવી સીસીટીવી કેમેરાઓની મદદ લઈને આખરે બે લૂંટારુઓને ઝડપી લીધા છે, અને કેટલીક રોકડ રકમ કબજે કરી લીધી છે. આ ઉપરાંત આ લૂંટની ઘટનામાં પ્લાન ઘડવા માટે અન્ય આરોપીની પણ સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે, અને કેટલીક રકમ પણ કબજે કરવાની બાકી હોવાથી પોલીસ ટુકડી દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં અન્ય લૂંટારુઓપણ પોલીસના હાથે ઝડપાઈ જાય અને બાકીની રોકડ કબજે કરી લેવાની દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.