Abtak Media Google News

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 13 ઇંચ અને જૂનાગઢના માણાવદરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો, વિસાવદર અને કેશોદમાં 9 ઇંચ જ્યારે દ્વારકા, માળીયા હાટીના, ઉપલેટામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

સવારથી 85 તાલુકામાં નોંધપાત્ર વરસાદ: કચ્છના નખત્રાણામાં ત્રણ ઇંચ જ્યારે જૂનાગઢના માળીયા હાટીના અને માંગરોળમાં એક-એક ઇંચ વરસાદ: ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક રોડ-રસ્તાઓ બંધ: સૌરાષ્ટ્રભરમાં સવારથી મેઘાવી માહોલ જામ્યો, આજે પણ સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળશે

કલ્યાણપુરના પાનેલીમાં ત્રણ લોકોનું એરફોર્સની મદદથી દિલધડક રેસ્ક્યુ કરાયું

મુખ્યમંત્રી દ્વારકા-જામનગરનું હવાઈ નિરીક્ષણ કરશે

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ચોમાસું જામેલું છે અને કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તથા જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે આ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે. દ્વારકા, જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરે 3.45 કલાકે વિમાન દ્વારા જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક યોજીને સ્થિતિ વિશે જાતે માહિતી મેળવશે.

ભારે વરસાદને પગલે  રાજ્યમાં 278 રસ્તાઓ  બંધ

રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. બપોરે 2 વાગ્યાની સ્થિતિએ રાજ્યભરમાં કુલ 278 માર્ગો બંધ છે, જેમાં 9 રાજ્ય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે. દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે, જ્યાં 3-3 રાજ્ય ધોરીમાર્ગો બંધ છે. પોરબંદરમાં 2 અને નર્મદામાં 1 રાજ્ય ધોરીમાર્ગ બંધ છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું છે. પોરબંદરમાં 82, જૂનાગઢમાં 55, નવસારીમાં 24, સુરતમાં 22 અને વલસાડમાં 22 પંચાયત હસ્તકના માર્ગો બંધ છે. જામનગરમાં 12 અને દેવભૂમિ દ્વારકામાં 11 ગ્રામીણ માર્ગો બંધ છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોળ ઘણો વધી ગયો છે, જેના કારણે ઘણા ગામડાઓ ડૂબમાં ગયા છે. રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે.

કલ્યાણપુર તાલુકાના પાનેલીમાં 3 લોકો નદીમાં ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. એનડીઆરએફની એક ટીમને પણ બોલાવવામાં આવી હતી. વાડી વિસ્તારમાં ફસાયેલા ત્રણ લોકોનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.  કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે પાનેલી ગામ બેટમાં ફેરવાયું હતું. વાડી વિસ્તારમાં ફસાયેલા 3 લોકોને બચાવવા  એનડીઆરએફની ટીમ પણ બોલાવાઈ હતી. તમામને એરફોર્સની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા તમામ લોકોનું  રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. માણાવદર પંથકમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો જેને પગલે અનેક ગામોમાં પાણી ઘૂસ્યા છે તો ઝીંઝરી ગામ બેટમાં ફેરવાયું છે. માણાવદર પંથકમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરાયું હતું. ભારે વરસાદથી માણાવદરના ઝીંઝરી ગામની ચારેય કોર પાણી ફરી વળ્યા છે. જેને પગલે ગામનો સંપર્ક કપાયો હતો. ભારે વરસાદને પગલે માણાવદરનું બાંટવા ગામ પણ બેટમાં ફેરવાયું હતું. ગામની બજારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. સણોસરા ડેમ ઓવરફ્લો થયો છે. માણાવદર તાલુકાના નરેડી, બાલોટ, નવલખી તેમજ ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે સણોસરા ડેમની અંદર પાણીનો પ્રવાહ વધ્યો છે. જેથી ડેમ ઓવરફ્લો થયો છે તેમજ કેશોદ ગામમાં પણ ભારે વરસાદથી શેરગઢ નદીમાં ઘોડાપુર આવ્યા છે. પૂર આવતા પુલમાં ગાબડાં પડી ગયા છે. શેરગઢનો રોડ હાલ પૂરતો આવક-જાવક માટે બંધ કરવામાં આવ્યો છે. ગામમાં વધુ વરસાદ પડવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

જામનગરના આઠ અને દ્વારકાના ત્રણ સહિત 14 ડેમો ઓવરફ્લો
સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, ઉપલેટા પંથકમાં ભારે વરસાદથી પાણીના સ્ત્રોત એવા 22 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. જામનગરના આઠ અને દ્વારકાના ત્રણ સહિત 14 ડેમો ઓવરફ્લો થવા પામ્યા છે. ઉપલેટા પંથકના લાઠમાં 15 ઇંચ ભારે વરસાદથી મોજ ડેમ છલકાઇ જતાં 15 દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા આઠ ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા સૂચના અપાઇ છે. વરસાદી વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રના જળાશયોમાં થયેલ નવા નીરની આવક અંગે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજ ડેમ તેની નિર્ધારિત સપાટી 72.54 મીટરે ભરાઇને ઓવરફ્લો થતાં ડેમના 15 દરવાજા દોઢ મીટર ખોલવામાં આવ્યા છે તેમજ વેણુ-2 ડેમના આઠ દરવાજા અને આજી-2 ડેમનો એક દરવાજો,

ભાદર-2 ડેમનો બે દરવાજા ખોલવામાં આવ્યા છે. મોજ ઉપરાંત ન્યારી-2 અને બેટી ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે મોરબીના મચ્છુ-2, ડેમી-1માં પણ નવા નીરની આવક થવા પામી છે. જ્યારે મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જામનગરનો ફલઝર-1, ફલઝર-2, મીણસર, ઉંડ-3 અને રૂપારેલ ડેમ પણ ઓવરફ્લો થયા છે. ઉમિયા સાગર ડેમ ઓવરફ્લો થતા 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લીધે વર્તુ-1, વર્તુ-2, સોનમતી, વેરાડી-1, વેરાડી-2 અને મીણસાગર ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. જ્યારે વર્તુ-1, સોનમતી અને સિંધણી ડેમ ઓવરફ્લો થયા છે.

દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર  સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ

આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વરસાદની પરિસ્થિતિ જોતા પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ, રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ધારીમાં બે ઈંચ વરસાદ, હવે  ખેડુતોને વરાપની રાહ

અબતક, નીકુંજ મહેતા, ધારી: સૌરાષ્ટ્રભરમાં  આ વર્ષે ચોમાસુ  સુખરૂપ  આગળ વધી  રહ્યું છે. સમયસરનાં વરસાદથી રામમોલ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. ધારી પંથકમાં  24 કલાકમાં  2 ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે આ લખાય રહ્યું છે. ત્યારે  પણ ધારીમાં  વરસાદી ઝાપટા પડી રહ્યા છે.  ધારી સહિત સૌરાષ્ટ્રમાં  સતત વરસતા વરસાદ વચ્ચે હવે ખેડુતો ખેતી કામ માટે  વરાપનો ઈંતેજાર પ્રર્વતી રહ્યો છે. આ વખતે ખેડુતોએ કપાસ, મગફળીનું સવિશેષ વાવેતર કર્યું છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ કહેર વરસાવ્યો હોય તેમ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કલાકમાં જ 12 ઇંચ, દ્વારકાના કલ્યાણપુરમાં ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ તેમજ માણાવદરમાં 10 ઇંચ વરસાદે તારાજી સર્જી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પાંચેક ઇંચથી લઇ અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં મેઘરાજા જાણે વિફર્યા હોય તેમ 12 ઇંચ જેવો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ચોમેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. દ્વારકાનગરીમાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો તેમજ ખંભાળિયામાં દોઢ ઇંચ, ભાણવડમાં એક ઇંચ જ્યારે અન્યત્ર અડધા ઇંચથી લઇ ઝાપટા વરસ્યા હતા.

સતત ચોથા દિવસે સાંબેલાધાર વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્ર પાણી-પાણી થઈ ગયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકને ઘમરોળી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ફરી અનરાધાર વરસાદ વરસ્યો. ખાસ કરીને કલ્યાણપુર પંથક પર મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં પણ ગીર ગઢડા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.

રાજકોટના ધોરાજી-ઉપલેટા પંથકમાં પણ ધમધોકાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળતરબોળ થઇ ગયા. અવિરત વરસાદથી ઉપલેટાનું લાઠ ગામ જળમગ્ન બન્યું. જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ ફરી વરસાદ શરૂ થયો. અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા.

ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ. એક સાથે 12 ઇંચ વરસાદ પડી જતા ગામ બેટમાં ફેરવાયું છે. લાઠ ગામથી ઉપલેટા તરફ આવવાનો રસ્તો બંધ કરાયો છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા અવર-જવર બંધ થઇ ગઇ છે. ગામના તમામ રસ્તાઓ અને ખેતરો જળમગ્ન થયા છે. ભારે વરસાદ થતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે.

ઉપલેટા બાદ ધોરાજીમાં પણ મેઘરાજા ધોધમાર રીતે વરસ્યા છે. ધોરાજીના પીપળીયામાં ભારે વરસાદથી લોકોને ભારે હાલાકી થઇ રહી છે. પીપળીયામાં અનરાધાર 6 ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થઇ ગયું છે. અષાઢમાં અનરાધાર વરસાદ પડતા ભારે વરસાદને કારણે ગામમાં નદી વહેતી થઇ છે.

ઈન્દિરા નગર વિસ્તારના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. સમગ્ર સોસાયટી જળબંબાકાર થઇ છે. પળીયા ગામથી ઇન્દિરા નગર સોસાયટી તરફ જવાનો રસ્તો પણ બંધ કરાયો છે.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટ્યું. માત્ર ચાર કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબકી જતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યુ છે. કલ્યાણપુર બાદ યાત્રાધામ દ્વારકામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. દ્વારકા, ઓખા, નાગેશ્ર્વરમાં ભારે વરસાદ પડ્યો. કલ્યાણપુરના ભાટિયા, લાંબા, ભોગાત, હડમતિયા, દેવરિયામાં મુશળધાર વરસાદ પડ્યો છે.

આ તરફ જુનાગઢના બાંટવામાં અનરાધાર વરસાદ વરસ્યો. બાંટવાની બજારોમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ. બાંટવાની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ભારે વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું. બાંટવા નજીક ઘેડના મોટા ભાગના ગામમાં હજુ પાણી ઓસર્યા નથી. ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.