ઉપપ્રમુખના હોદા માટે બકુલ રાજાણીના હોઠે આવેલો જીતનો કોળીયો છીનવાશે? વિજેતાનો નિર્ણય બાર કાઉન્સીલ ઓફ ગુજરાત પર છોડવામાં આવ્યો
રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં રસાકસીના અંતે સમરલ પેનલનો ભવ્ય વિજય થયો છે. જયારે ઉપપ્રમુખના હોદા પર ૬૨૬ મત સાથે બકુલ રાજાણીને વિજેતા જાહેર કર્યા બાદ રીકાઉન્ટીગ માગી પેનલ તૂટતી બચાવવા મરણીયા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને વિજેતાનો નિર્ણય બાર કાઉન્સીલ ઓફ ગુજરાત પર છોડવામાં આવ્યો છે. બાર એસોસિએશનની ચૂંટણી પૂર્વે જ સમરલ પેનલના સેક્રેટરી દિલીપભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી રૂપરાજસિંહ પરમાર અને ટ્રેઝરર પદે અશ્ર્વિન ગોસાઇ બીન હરિફ થતા સમરસ પેનલનું પલ્લુ ભારે થઇ ગયું હતું અને સમરસ પેનલની જીત નિશ્ર્ચિત બની ગઇ હતી અને અપેક્ષા મુજબ પ્રમુખ પદના ઉમેદવાર અનિલભાઇ દેસાઇનો બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ત્રીજી વખત વિજય બન્યો હતો.
જ્યારે ઉપપ્રમુખ પદ પર સમરસ પેનલના સી.એચ.પટેલ અને સૌરાષ્ટ્ર-કચ્છ લોયર ફાઉડેશનના સ્થાપક બકુલ રાજાણી વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. જેમાં બકુલ રાજાણીને ૬૨૬ મત મળ્યા હતા અને સી.એચ.પટેલને ૬૦૦ મત મળતા ચૂંટણી અધિકારી દ્વારા બકુલ રાજાણીને ૨૬ મત સાથે વિજેતા જાહેર કરવામાં આવતા સી.એચ. પટેલે રીકાઉન્ટીંગ માગી પરિણામ સ્થગીત કરાવ્યું હતું. ચૂંટણી અધિકારી દ્વારા ઉપપ્રમુખના હોદાનું પરિણામ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા નિર્ણય કરશે તેવું જણાવતા બકુલ રાજાણીને મળેલી જીતનો કોળીયો હાલ પુરતો અટકી ગયો છે.
બાર એસોસિએશનના પ્રમુખ સહિત ૧૩ હોદા માટે ૨૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડવામાં આવી હતી. ચૂંટણીમાં ૧૯૫૫ મતદારોમાંથી ૧૩૧૩ સભ્યોએ મતદાન કરતા ૬૭ ટકા મતદાન થયું હતું. સાંજે મતગણતરી પુરી થતા જેમાં પ્રમુખ તરીકે અનિલભાઇ દેસાઇ, લાયબ્રેસી સેક્રેટરીમાં જતીન ઠક્કર, મહિલા કારોબારીમાં મીનાક્ષા ત્રિવેદી, સમરલ પેનલમાંથી કારોબારીમાં રોહિત ઘીયા, જોષી સંજય, અજય પીપળીયા, સરધારા એન્જલ જ્યારે સ્વતંત્ર રીતે ચૂંટાયેલા સંદિપ વેકરીયા, જોષી નિશાંત, કે.સી.વ્યાસ, ગૌરાંગ માકડ અને નિરવ પંડયા વિજય બન્યા હતા.