કોઠારા ગામના શ્રાવક-શ્રાવિકાઓ રહ્યા ઉપસ્થિત
અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. કલાપ્રભસાગર સૂરીશ્ર્વરજી મ.સા. કોઠારા તીર્થે પધારતાં કોઠારા જૈન સંઘ દ્વારા વાજતે ગાજતે ભવ્યાતિભવ્ય સામૈયું કરાયું હતું.
ઢોલ-શરણાઇના સુમધુર સૂરો, શણગારેલા ખેડા, ગહુંલીઓ, સાફાધારી શ્રાવકો, બાંધણીમાં સજ્જ શ્રાવિકાઓ, દુપટા, જિનશાસન ટોપીથી સજ્જ યુવાનો, ધ્વજા-પતાકા સાથે અચલગચ્છાધિપતિ તથા શ્રમણવૃંદનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ.
સામૈયામાં મહાજનનાં ટ્રસ્ટી દિનેશ અજાણી, પ્રબોધ મુનવર, ધનપતિ લોડાયા, દિનેશ મોતા, પ્રદિપ મુનવર, વર્ધમાન લોડાયા, રતિલાલ નાગડા, મહેન્દ્ર લોડાયા, દિનેશ ધરમશી, હીરાલાલ જીવાણી તથા ગામો ગામનાં શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રેમચંદભાઇ મોમાયાએ ધાર્મિક નારાઓ બોલાવ્યા હતા.
ઉપાશ્રયે પહોંચી મ.સા.એ માંગલિક શ્રવણ કરાવતાં કોઠારા જિનાલય બંધાવનાર શેઠ શીવજી નેણશી, શેઠ વેલજી માલુ, શેઠ કેશવજી નાયકની અંતરની ભાવનાઓને બિરદાવી અદ્ભૂત જિનાલયની રચના અને તેનો ઇતિહાસ વર્ણવ્યો હતો. કોઠારા જિનાલય જીર્ણોદ્વાર કાર્ય સારી રીતે પરિપૂર્ણ થાય અને ઇતિહાસની સાક્ષીપૂરક આ જિનાલય દર્શનાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહે તેવી પ્રાર્થના કરી હતી.
અચલગચ્છાધિપતિ કોઠારા જિનાલયનાં જીર્ણોદ્ધાર કાર્ય માટે ઉદાર હાથે અનુદાન લખાવવા સંઘોને પ્રેરણા કરી હતી. મહાજનનાં ટ્રસ્ટી દિનેશભાઇ અજાણીએ જીર્ણોદ્વાર કાર્યને વેગવંતુ બનાવવા સાથે કોઠારા ગામે અગાઉ થઇ ગયેલા અચલગચ્છાધિપતિઓ, બંને આચાર્યોનાં ચાતુર્માસોની યાદ અપાવી હતી. રમીલાબેન લોડાયા તથા તોરલબેન આવકાર ગીત રજુ કરેલ. તોરલબેન શાહનંદે પ્રાસંગિક રજુ કર્યું હતું. સંધ્યા ભોજન માતુશ્રી કસ્તુરબાઇ હીરાચંદ મુનવર પરિવાર દ્વારા યોજાયું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે કર્યું હતું. વ્યવસ્થામાં પનુભા ધલ, ગીરીશ મોમાયા, સ્થાનિક ભાઇ-બહેનોએ સહકાર આપ્યો હતો.