રેલનગર, માધાપર ચોકડી અને તિરૂપતિનગરમાં ‘સમડી’નો તરખાટ: એક્ટિવા પર આવેલા શખ્સે ચેન ચીલ ઝડપ કરી પલાયન
શહેર્માં છેલ્લા બે દિવસમાં સોનાના ચેનની ચીલ ઝડપ કરતી ‘સમડી’એ રેલનગર, માધાપર અને તિરૂપતિનગરમાં સોનાના ચેનની ચીલ ઝડપ કરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. એક્ટિવા પર આવીને સોનાના ચેનની ચીલ ઝડપ કરતા શખ્સના સીસીટીવી ફુટેજ મળી આવતા પોલીસે ત્રણેય ચીલ ઝડપના બનાવમાં એક જ શખ્સની સંડોવણી હોવાની શંકા સાથે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર આવેલા તિરૂપતિનગર શેરી નંબર 2માં રહેતા ચંદ્રકાંતભાઇ નામના 70 વર્ષના લોહાણા વૃધ્ધ પોતાના ઘર પાસે ખીસકોલીને ખવડાવતા હતા ત્યારે એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સે શેરી નંબર 5 અંગે પૂછપરછ કરી ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કરી ભાગી ગયો હતો. ચીલ ઝડપ દરમિયાન ચેનમાં રહેલું પેડલ પડી ગયું હતું.
જ્યારે માઘાપર ચોકડી નજીક મોરબી બાયપાસ પર શિવરંજની સોસાયટીમાં રહેતા મધુબેન વાંક નામના 62 વર્ષના વૃધ્ધા તેમના પતિ સાથે મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સે સોનાના ચેનની ચીલ ઝડપ કરી ભાગી ગયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. કે.એ.વાળા અને પી.એસ.આઇ. જનકસિંહ રાણા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
વધુ એક બનાવમાં શહેરના હંસરાજનગર પાસે રેલનગરના નાલા પાસે બે મહિલા ચાલીને જતી હતી એ સમયે અજાણ્યો યુવાને મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને સોનાના ચેઈનની ચીલઝડપ કરી પોતાના એક્ટિવા પર નાસી છૂટ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના હંસરાજ નગર નજીક રેલનગર નાલા પાસે બે મહિલા ચાલીને જતી હતી એ વેળા નાલા નજીક યુવાને એક્ટિવા પાર્ક કરી ચાલીને જતી અંજનાબેન નાથાણી નામની મહિલાને નિશાનો બનાવી તેના ગળામાંથી સોનાનો ચેન અને મંગળસૂત્રની ચીલઝડપ કરી નાસી છૂટ્યો હતો.
જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ હતી ફુટેજમાં શખ્સ ચીલઝડપ કરતા પહેલા એક્ટિવા પર આંટા મારી રેકી કરી હતી.અને પોતાનું નંબર વગરનું એક્ટિવા આગળ પાર્ક કરી બાદમાં ચાલીને જતી મહિલાના ગળામાંથી ચેઈન અને મંગળસૂત્ર ખેંચી બાદમાં ફરી એક્ટિવા લઇ નાસી છૂટે છે. જેની પાછળ ભોગ બનનાર મહિલા બૂમો પાડી પીછો કરે છે. પરંતુ શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો. હાલ મહિલાએ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.