અંતિમ દર્શન માટે ભાવિકો ઉમટયા: હજારો લોકો ચોધાર આંસુએ રડી પડયા: ભવનાથ શોક મગ્ન
દત્ત અને દાતારની પાવન ભૂમીમાં વર્ષો સુધી વિહાર કરી, તપ અને સાધના કરનાર ગિરનારી તપોભૂમિના સૌથી વયોવૃદ્ધ સંત કાશ્મીરી બાપુ એ ગઈકાલે રવિવારે સવારે 9 દેવલોક પામતાં આજે તેમના નશ્વર દેહને સવારે 11 વાગ્યે બ્રહ્મલીન સંત કાશ્મીરી બાપુને વિધિવત રીતે સમાધિ આપવામાં આવી હતી, ત્યારે હજારો સંતો – મહંતો, ભાવિકોની આંખો ચોધાર આંસુએ રડી પડી હતી.
ગઈકાલે તા. 6 ફેબ્રુઆરી રવિવારના સવારે 9 વાગ્યાના અરસામાં ભવનાથ ક્ષેત્રના વયોવૃદ્ધ સંત કાશ્મીરી બાપુ (ઉ. વ. 97) બ્રહ્મલીન થયા હતા, કાશ્મીરી બાપુના બ્રહ્મલીન થવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં, જૂનાગઢ શહેર સહિત ભારતભરના તેમના ભાવિક ભક્તજનો કાશ્મીરી બાપુના આશ્રમે પહોંચ્યા હતા ત્યારે અંતિમ દર્શન કરવા માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી, અહીં અનેક ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા.
છેલ્લા 75 થી 80 વર્ષ પહેલા દત્ત – દાતારની પાવન ભૂમીમાં કાશ્મીરથી પધારેલા કાશ્મીરી બાપુની ગત મહિને તબિયત લથડી હતી અને બાપુના ફેફસામાં હવા ભરાઈ જવાના કારણે પંચર પડી જતાં, અહીંની કે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવારમાં લાવવામા આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમે 12 દિવસ સુધી સારવાર કરીને બાપુને સ્વસ્થ કર્યા હતા, અને હજુ ચાર દિવસ પહેલાં જ બાપુને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા, બાપુને તેમના આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિયમિત ચેક-અપ થઈ રહ્યું હતું.
જો કે શનિવારે કાશ્મીરી બાપુ એ આશ્રમ ખાતે આરતી પણ લીધી હતી પરંતુ રવિવારે સવારે બાપુએ ઓચિંતા અંતિમ શ્વાસ લીધા હતા અને કાશ્મીરી બાપુ દેવલોક પામ્યા હતા. બાદમાં કાશ્મીરી બાપુના નશ્વર દેહને ગઈકાલથી ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યા હતા, અને હજારો ભાવિકોએ બાપુના રડતી આંખે અંતિમ દર્શન કર્યા હતા.
દરમિયાન આજે સવારથી બાપુની અંતિમ વિધિ શરૂ થઈ હતી અને સવારે 11 વાગ્યે ભવનાથ શ્રેત્ર સહિત ભારત ભરના સંતો, મહંતો અને ભાવિક ભકતજનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે બાપુને વિધિવત રીતે સમાધિ આપવામાં આવી હતી બ્રહ્મલીન કાશ્મીરી બાપુના ખૂબ જ નજીકના શિષ્ય ગણાતા જૂનાગઢના જીતુભાઈ પંડ્યા અને શૈલેષભાઈ પંડયાના જણાવ્યા અનુસાર, કાશ્મીરીબાપુનું મૂળ નામ ઓમકારગીરી ગુરુ નિરંજનદેેવ હતું અને તેઓ વનખંડી સાધુ હતાા. કાશ્મીરી બાપુ આજથી આશરે 75 થી 80 વર્ષ પહેલા કાશ્મીરથી ગિરનાર ખાતે આવ્યા હોવાથી કાશ્મીરી બાપુ તરીકેે ઓળખાતા હતા.
કાશ્મીરી બાપુ ગિરનારમાં આવ્યા બાદ પરિભ્રમણ કરી ધાર્મિક જગ્યાએ જપ-તપ કરતા હતાા, પરંતુ બાદમાંં કાશ્મીરી બાપુ ઉપલા દાતારની જગ્યાના પટેલ બાપુના સંપર્કમાં આવતાં પટેલ બાપુએ એક જ સ્થળે જપ તપ કરવાનું કાશ્મીરી બાપુને જણાવતા, કાશ્મીરીબાપુ એ જ્યાં વન્ય પ્રાણીઓની ખુબજ અવરજવર રહેતી હોય અને જે સ્થળે જવા માટે લોકોની હિંમત પણ ન ચાલે તેવી ગીરનાર તળેટીના જંગલમાં આવેલ વન વભાગની રેવન્યુમાં ફાળવેલ આમકુ બીટ વિસ્તારમાં બાપુએ કાચી ઝૂંપડી બનાવી અહીંં દાતારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી, જપ – તપ અને તપસ્યા શરૂ કર્યા હતા.
જોકે બાદમાં કાશ્મીરી બાપુના સેવકો દ્વારા અને તેમના સહયોગથી દાતારેશ્વર મહાદેવ મંદિર ખાતે નાની મોટી સગવડો ઊભી કરી અનનશ્રેત્ર શરૂ કરવામાં આવ્યું હતું અને આ આશ્રમમાં વર્ષોથી ભજન ભોજન અને ભકિતનો સમનવય ભાવિક, ભક્તજનોો માટે શરૂ કરવામાં આવ્યો હતો.
દરમિયાન ગિરનારી તપોભૂમિના સંત કાશ્મીરી બાપુ ગઈકાલે દેવલોક પામ્યા બાદ આજે જ્યારે તેમની અંતિમવિધિ એટલે કે સમાધિ આપવાની વિધિવતની તૈયારી આરંભાઈ હતી ત્યારથી લઈને બાપુની અંતિમ વિધિ સુધી હાજર લોકોની હજારો આંખો ચોધાર આંસુએ રડી રહી હતી.
દત્ત અને દાતારની પાવન ભૂમીમાં વર્ષો સુધી માત્ર અને માત્ર તપ અને સાધના કરી બ્રહ્મલીન થનાર કાશ્મીરી બાપુનો સેવક સમુદાય ભારતભરમાં અને વિશ્વમાં ફેલાવ્યો છે ત્યારે તેમની ઓચિંતી વિદાયથી તેમના સેવક વર્ગમાં ભારે શોક વ્યાપ્યો છે, તો બીજી બાજુ સંત શિરોમણી કાશ્મીરીબાપુ દેવલોક પામતા સંત સમુદાયમાં પણ મોટી ખોટા પડી છે, ત્યારે અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી તેમજ પંચ દશનામ જૂના અખાડાનાં તથા ભવનાથ મંદિરના મહંત હરિ ગિરિજી મહારાજે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે, તેની સાથે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ અને જૂનાગઢ શહેર સહિત સમગ્ર ગુજરાતના રાજકીય-સામાજિક આગેવાનો, અધિકારીઓએ શોક સંદેશ પાઠવ્યા છે.