ગાદીના અનુગામી તરીકે કંચન માતાજીની વરણી
અબતક,દર્શન જોશી, જૂનાગઢ
જૂનાગઢ તા. 16 દેશ વિદેશના સેંકડો ભાવિકો તથા ચારણ સમાજ સહીત સમસ્ત સમાજના આસ્થાના કેન્દ્ર એવા કેશોદ નજીકના મઢડા ગામે આઈ સોનબાઇ મંદિરના બનું આઈ માતાજીનો સોમવારે દેહ વિલય થતા ગઈકાલે મંગળવારે સેંકડો ભાવિકોની રડતી આંખો વચ્ચે બનુંઆઈની અંતિમ ઈચ્છા મુજબ મઢડા મંદિર ખાતે સમાધી આપવામાં આવી હતી, જ્યારે મંદિરની ગાદીના અનુગામી તરીકે આઈ કંચન માતાજીને ભેળિયો ઓઢાળી ગાદી સુપરત કરવામાં આવી હતી. આ વેળાએ ભવનાથ શ્રેત્રના ઇન્દ્રભારતી બાપુ સહિતના સંતો, મહંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ, સેવકો ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીકના મઢડા ગામે સ્થિત ચારણ સમાજ સહીત સમસ્ત સમાજના આસ્થાના કેન્દ્ર એવા સોનલ આઈ મંદિરના બનુંઆઈ માતાજીનો સોમવારે દેહ વિલય થતા ભક્તજનો ઘેરા શોકમાં ડૂબ્યા હતા, અને સેંકડો ભક્તો બનુઆઇ માતાજીના અંતિમ દર્શન માટે મઢડા ખાતે પહોંચ્યા હતા, ગઈકાલે બપોરે જ્યારે બનુંઆઈ માતાજીની પાલખી યાત્રા નીકળી હતી અને બાદમાં સોનલ આઈ માતાજીના બહેન બનું આઈ માતાજીને સમાધિ આપવામાં આવી હતી, ત્યારે ભાવિકોએ માતાજીને અશ્રુભીની વિદાય આપી હતી.
દરમિયાન મઢડા ધામ ખાતે ગઈકાલે બનુઆઈ માતાજીની સમાધિ પૂર્વે મંદિરની ગાદી ખાલી ન રહે તે પરંપરા અન્વયે આઈ કંચન માતાજીને ભેળિયો ઓઢાળી ગાદી સોંપવામાં હતી. આ સમયે ભવનાથ શ્રેત્રના ઇન્દ્રભારતી બાપુ, સહિતના સંતો, મહંતો, આપના નેતા ઇશુંદાન ગઢવી, પ્રવિણ રામ તેમજ રાજકીય, સામાજિક અગ્રણીઓ, સેવકો, ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.