ભારતના અર્થતંત્રને 5 ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના સરકારના આ મહત્વકાંક્ષી આયોજનમાં અર્થતંત્રને લાગુ પડતા તમામ ક્ષેત્રના વિકાસ માટે યુદ્ધના ધોરણે સુધારા અને બદલાવની કામગીરી ચાલી રહી છે. અર્થતંત્રના મુખ્ય આધાર સ્થંભ એવા કૃષિ ક્ષેત્રના વિકાસ અને ખેતી તેમજ ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ કાયદા અને કૃષિ પેદાશોની વેંચાણ વ્યવસ્થામાં આમુલ પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. કૃષિની સાથે સાથે હવે સહકારી ક્ષેત્રના માળખાને પણ કોર્પોરેટ ટચ આપી હરિફાઈના આ યુગમાં સહકારી ક્ષેત્ર પણ ટનાટન પ્રગતિ કરે તે માટે સહકારી ક્ષેત્રને કોર્પોરેટ કલ્ચરમાં ફેરવવાનું આયોજન વિચારણામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ સહકારી ક્ષેત્રના વહીવટી માળખાને સમયોચિત બદલાવવા આપવા માટે કોર્પોરેટ જગતના માધાંતાઓ પાસેથી જરૂરી સુચનો, સલાહ લઈને સહકારી ક્ષેત્રને પણ કોર્પોરેટ જગતની જેમ વિકસાવવાનું અભિયાન ઉપાડ્યું છે. નેશનલ કોર્પોરેટીવ યુનિયન ઓફ ઈન્ડિયા (એનસીયુઆઈ)ને કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ સહકારી ક્ષેત્રના જરૂરી બદલાવ માટે સુચનોનો પત્ર લખ્યો છે. રાજ્ય સ્તરના કૃષિ મંત્રીએ વેબીનારના સંબોધનમાં જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રના વહીવટી માળખાને કોર્પોરેટીવ ટચ આપવાની કામગીરી એનસીયુઆઈને સોંપવામાં આવી છે.
સહકારી ક્ષેત્ર સ્વનિર્ભર ભારતના અભિયાનને સાર્થક કરવા માટે મુખ્ય યોગદાન આપી શકે તેમ છે. કૃષિ પેદાશોના વેંચાણ, ધીરાણ અને પંચાયતી રાજના વિકાસને વધુ વેગવાન બનાવવા માટે સહકારી તંત્રને વધુ સુદ્રઢ બનાવવાથી ચિત્ર ફૂલ ગુલાબી બની શકે છે. સહકારી માળખુ, ફૂડ પ્રોસેસીંગ સેકટર, કૃષિ સહકારી મંડળીઓના સંકલનથી અને આરબીઆઈના પ્રોત્સાહનથી એક સમાંતર માળખુ ઉભુ કરી શકાય તેમ છે. આગામી દિવસોમાં કોર્પોરેટીવ અને સહકારી ક્ષેત્રમાં સુદ્રઢીકરણ માટે કાયદો પણ લાવવામાં આવશે. સહકારી ક્ષેત્રના સુધારા માટેના ખરડાને ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે છે તેને સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવ્યું છે. ક્રુભુકો ચેરમેન અને એનસીયુઆઈના પ્રમુખ ચંદ્રપાલસિંહ યાદવે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રને કોર્પોરેટીવ ટચ આપવી એ સારી બાબત છે પરંતુ આ ક્ષેત્ર એટલું મોટુ છે કે તેના માટે ખાસ અલગ મંત્રાલય જરૂરીયાત છે. સહકારી ક્ષેત્રના પ્રશ્ર્નો અને તેના વિકાસ માટે ખાસ મંત્રાલયને જરૂર છે. એનસીયુઆઈને સહકારી ક્ષેત્રના સુધારા માટેની જવાબદારી સોંપવાનું પગલુ સુતુત્ય છે.
ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન જી.એચ.અમીને આ ક્ષેત્રના વિકાસ માટેના પ્રયત્નોને આવકાર્યા હતા. દિલ્હી રાજ્ય સહકારી સંઘના પ્રમુખ વી.પી.સિંઘે પણ આ કવાયતને આવકાર આપ્યો છે. આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રને પણ કોર્પોરેટ કલ્ચરથી વિકસાવવામાં આવશે.
સહકાર વિભાગ માટે અલગ મંત્રાલયની આવશ્યકતા
સહકારી ક્ષેત્ર દેશના વિકાસ માટે પાયાગત માળખાકીય સુવિધાનો મુખ્ય પથ્થર ગણવામાં આવે છે. કૃષિ, લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગોથી લઈને ખેડૂતના કાર્ય ક્ષેત્ર સાથે સીધા સંકળાયેલા સહકારી ક્ષેત્ર માટે એક અલાયદા મંત્રાલયની હવે જરૂરીયાત હોવાનું ક્રુભુકોના ચેરમેન ચંદ્રપાલસિંઘ યાદવે માંગ ઉઠાવી છે.