1,15,565 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભરી રૂ.7.50 કરોડનું વળતર મેળવ્યું: બાકી વેરામાં હપ્તા યોજનામાં પણ 303 આસામીઓ જોડાયા
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા હાલ એડવાન્સ ટેક્સ ભરપાઇ કરનાર કરદાતાઓ માટે વેરા વળતર યોજના અમલમાં મૂકવામાં આવી છે. છેલ્લા 18 દિવસમાં 1,15,565 કરદાતાઓએ કોર્પોરેશનની તીજોરીમાં 66 કરોડ રૂપિયા ઠાલવી દીધા છે અને વેરામાં રૂ.7.50 કરોડનું માતબર વળતર મેળવ્યું છે. આગામી 31 મે સુધી એડવાન્સ ટેક્સ ભરપાઇ કરનાર કરદાતાઓને વેરામાં 10 થી લઇ 42 ટકા સુધીનું વળતર આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે કોર્પોરેશન દ્વારા વળતર યોજના ચાલુ મહિનાથી શરૂ કરવામાં આવી છે. જેમાં કરદાતાઓનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
છેલ્લા 18 દિવસ દરમિયાન 1,15,565 કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લેતા કોર્પોરેશનની તીજોરીમાં રૂ.65,68,75,474 જમા કરાવ્યા છે. એક દિવસમાં સરેરાશ ત્રણ કરોડ રૂપિયાની આવક થઇ રહી છે. કોર્પોરેશન દ્વારા પણ પ્રામાણીક કરદાતાઓને રૂ.7.50 કરોડનું માતબર વળતર આપવામાં આવ્યું છે. ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને વિશેષ એક ટકો વળતર આપવામાં આવતું હોય 75029 કરદાતાઓએ ઓનલાઇન પેમેન્ટ કર્યું છે. જેની વસૂલાતની રકમ રૂ.41.34 કરોડ જેવી થવા પામે છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આગામી 31 મે સુધીમાં વર્ષ-2023-2024નો વેરો ભરપાઇ કરનાર કરદાતાને વેરામાં 10 થી લઇ 22 ટકા સુધી વળતર આપવામાં આવશે. ત્યારબાદ વળતરની ટકાવારી જૂન માસમાં 5 થી લઇ 17 ટકા સુધી થઇ જશે. જે રિતે વળતર યોજનાને શહેરીજનોનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ વર્ષે 200 કરોડથી પણ વધુની આવક પ્રથમ ત્રણ માસમાં જ થઇ જશે.
હાલ ચડત વેરામાં હપ્તા યોજના પણ ચાલી રહી છે. જેની મુદ્ત 15 મે સુધી લંબાવવામાં આવી છે. છેલ્લા 18 દિવસ દરમિયાન આ યોજનાનો 303 કરદાતાઓએ લાભ લીધો છે અને કોર્પોરેશનની તીજોરીમાં 57.83 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. આ યોજનાનો કુલ 1,103 લોકોએ લાભ લીધો હતો. કુલ 156 કરોડનું લેણું છુટ્ટુ થશે. છેલ્લા 18 દિવસ દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં 82 લોકોએ, ઇસ્ટ ઝોનમાં 83 લોકોએ અને વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 138 લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજનાનો બહોળી સંખ્યામાં લાભ લેવા બાકીદારોને અનુરોધ કરવામાં આવ્યો છે.