બાળમંદિર, પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને કોલેજ સુધીના અભ્યાસમાં આજે 18000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી 28 જેટલી શિક્ષણ સંસ્થાઓના વટવૃક્ષ જેવું મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર રાજકોટનું જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણ-સંસ્કારની પ્રવૃતિઓનું કેન્દ્ર બની ગયું
લાભુભાઇ ત્રિવેદીનું નામ પડતા જ એક મૂઠી ઉંચેરા મહામાનવનું ચિત્ર મનોપટલ ઉપર તાદ્રશ્ય થાય છે. સાદગીની મુરત, સમર્પણનો પર્યાય, ત્યાગની સર્વોચ્ચ સાફસુથરી છબી, નિષ્કામ કાર્યશૈલી, ઓલીયા જોગી જેવુ અલૌકીક વ્યક્તિત્વ, શૂન્યમાંથી સર્જન કરનાર સર્જનહાર જેવા વિશેષણો જેમના માટે ઓછા પડે એવા ગુરૂના હુલામણા નામથી સુખ્યાત લાભુભાઇ ત્રિવેદીને સુવર્ણ જયંતિ વર્ષ નિમીતે સત્ સત્ વંદન કરીએ છીએ.
આ જીવન ગાંધી વિચારધારાથી પ્રભાવિત લાભુભાઇ હંમેશા લાઇનીંગવાળુ આખી બાંઇનું ખાદીનું શર્ટ, ખાદીનો લેંઘો કે પેન્ટ અને પગમાં સામાન્ય ચપ્પલ પહેરતા. એમનું જીવન જ એમનો સંદેશો હતો. જાડી ફ્રેમના જાડા કાચવાળા ચશ્મામાંથી ડોકાતી એમની વેધક દ્રષ્ટિ હંમેશા આશાવાદી ભવિષ્યને શોધતી રહેતી. લાભુભાઇનો દેખાવ સામાન્ય માવી જેવો પણ પ્રભાવ અસામાન્ય હતો.
લાભુભાઇની સમાજસેવાના મૂળીયા ઉંડા હતા. એટલી જ તેમના ચારિત્ર્યની ઉંચાઇ હતી. સેવા કાર્યોના ભેખધારી અને સમાજને કશુંક આપવું છે, સમાજ પાસેથી માત્ર પ્રેમ મેળવવો છે, સમાજના આશિર્વાદ મેળવવા છે, બીજું કશું નહીં. લાભુભાઇ બહુ વિનમ્ર ભાવે કહેતા કે ‘ગુણો-અવગુણોથી ભરેલુ જીવન ડાઘ વિનાનું રહી ચૂક્યુ હોય તો એમાં મારી નિષ્ઠાની સાથે ઇશ્ર્વરની વિશેષ કૃપા રહી છે.’
જીવનમાં ઉચ્ચ કર્તવ્યને જ સ્થાન આપનાર લાભુભાઇ માટે કર્તવ્યપુરૂષ એવુ નામાભિધાન કરવુ યથાયોગ્ય છે. ક્યારેક તેઓ વિવેકશીલ વિદ્યાપુરૂષ લાગે તો બીજી જ ક્ષણે એમનામાં શિક્ષણપ્રેમ સાથે ઉંડો કલાપ્રેમ પ્રગટ થતો જોઇ શકાય. એ રીતે મૂલવતા વળી એક વધુ વિશેષણ આપવાનું મન થાય કે તેઓ ‘કલાપ્રેમી કેળવણી પુરૂષ છે’. પોતાના જીવનમાં સાદગી, સંયમ અને કરકસરની દ્રષ્ટિ રાખનાર ગુરૂની દિર્ઘદ્રષ્ટિ ભાવિ આયોજન પ્રતિ મંડરાયેલી રહેતી. આથી લાભુભાઇ ‘સ્વપ્નદ્રષ્ટા’ પણ લાગતા. આઘ્યાત્તમને એમણે આચરણમાં મુક્યું હતું.
લાભુભાઇનું વ્યક્તિત્વ અનેક ક્ષેત્રોમાં પ્રતિબિંબીત થતું રહેતું. સંસ્કારની સોડમ પ્રસરાવતુ તેમનું જીવન તેમની સંસ્થાઓમાં જ્ઞાન પિપાસા સંતોષતા દરેક વિદ્યાર્થીઓમાં પામી શકાતું. તેઓ માનતા કે શિક્ષણ સંસ્કારથી દીપે છે. વ્યક્તિને જીવનમાં આવનારા અણધાર્યા સંકટ સામે સંઘર્ષ કરવાનું પ્રેરણાબળ પુરૂ પાડે છે. પરિણામે તેઓ અનેકાનેક શિક્ષણ સંસ્થાઓનાં પ્રણેતા, પ્રવર્તક, પ્રચારક અને સુયોગ્ય સંચાલક બનેલા. વિદ્યાને દૈવી શક્તિ માનતા લાભુભાઇએ સંસ્થાઓમાં હંમેશા પારદર્શિતા રાખી હતી. એટલે જ આજે રાજકોટ વિદ્યાધામ સ્વરૂપે સ્થાપિત થયેલુ જોવા મળે છે.શિક્ષણનું મહત્વ તેઓ સુપેરે સમજતા એટલે જ તેઓ વારંવાર કહેતા કે કોઇપણ સમાજ, રાજ્ય કે રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસો હોય છેે. શિક્ષણની સાથોસાથ સાંસ્કૃતિક, ધાર્મિક અને આઘ્યાત્મિક વારસો જળવાશે તો સમાજની સાથોસાથ દેશ પણ મજબુત બનશે એવુ તેઓ દ્રઢ પણે માનતા.
‘શૈક્ષણિક સ્તરની પારાશીશીનો આંક જેમ ઉંચો એમ રાષ્ટ્રની સુખાકારી ઉંચી’માં માનનારા લાભુભાઇને એમની આ વિચારધારાને કારણે જ માનવ સભ્યતાના ઉત્થાનના ભેખધારી તરીકે એમને પ્રસ્થાપિત કરે છે. ‘જન જાગૃતિ એ જ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે’માં માનનારા લાભુભાઇ જનજાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહેતા.મોટે પાયે સાંસ્કૃતિક પ્રવૃતિના પ્રણેતા એવા લાભુભાઇ રંગીલા રાજકોટની શાન સમાન ગણાતા. જન્માષ્ટમીના લોકમેળાના પ્રણેતા હતા. લોકમેળા થકી વિદ્યાર્થીઓમાં વ્યાપારની વ્યવહાર કુશળતા જન્મે એ માટે એમની સંસ્થાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા લોકમેળાના સ્ટોલનું સંચાલન કરાવતા.
શિક્ષણ, રાજકારણ, સમાજસેવા, અન્નદાન, પ્રાણીપ્રેમ, પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં રત રહ્યા પછી પણ લોકજીવનને ધબકતું રાખે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ એટલી જ નિષ્ઠાથી કરતા.વિશ્ર્વ વિખ્યાત કથાકાર મોરારીબાપુનો રાજકોટવાસીઓને પ્રથમ પરિચય કરાવનાર તેમજ આચાર્ય રજનીશને વાકેફ કરાવનાર લાભુભાઇ ત્રિવેદી જ હતા. વિદ્યાર્થીઓના ભવિષ્યને પારખીલેનાર લાભુભાઇની ધાર્મિક તેમજ આઘ્યાત્તમ મહાપુરૂષોને પારખવાની દિર્ઘદ્રષ્ટિ પણ કેળવી હતી તે આ બાબતથી સ્પષ્ટ થઇ જાય છે.
આ અર્થમાં તેઓ સાચા કેળવણીકાર હતા. કૂમળા છોડને કેળવીને ઉછેર કરવાની કળામાં તો તેઓ માહેર હતા. આવા ‘ગુરૂ’ના નામથી લોકહૃદયમાં સદાકાળ બિરાજતા લાભુભાઇ ત્રિવેદી વિશે લખતા શબ્દો પણ ખૂટી પડે એવુ તેમનું જીવન છે.
યુવાનેતાઓની ટોચની હરોળ ઉભી કરવામાં લાભુભાઇનું યોગદાન અનન્ય: પુરુષોત્તમ પીપળીયા
પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, લાભુભાઇ ત્રિવેદીએ ગુરૂ તરીકે સર્વમાન્ય હતા. ગુરૂ તરીકેના જે તમામ ધોરણો હોવા જોઇએ એ તમામ ધોરણોનું ચુસ્તપણે પાલન કરતા હતા. તેઓએ માત્ર શિક્ષણ વ્યવસ્થા નહોતી સ્થાપી પરંતુ તેમાં તેમણે પોતાનું પુરેપુરૂ યોગદાન આપ્યું હતું. તેઓ શિક્ષકોના, વિદ્યાર્થીઓના તેમજ વાલીઓના પ્રશ્ર્નોને, સમસ્યાઓને પુરો ન્યાય આપતા હતા. તેમના સંચાલનમાં ગુડગર્વનર હતા. લાભુભાઇ ત્રિવેદીએ બાલમંદિરથી લઇ બી.એડ. કોલેજોનું નિર્માણ કર્યુ અને એવા બાળકોને શિક્ષણ પુરૂ પાડ્યું જેઓ ગરીબ હોય અથવા તો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય. એ સમયમાં એક સીટ માટે બી.એડ. કોલેજમાં 5-7 લાખ રૂપિયા આપવા પડતા હતા. તેવા વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણની સુવિધા પુરી પાડી. લાભુભાઇ ત્રિવેદીએ શિક્ષણ જગતના ભેખધારી આત્મા હતા. જેઓએ અનેક સંસ્થાઓનું નિર્માણ કર્યુ અને તેમની શિક્ષણ સંસ્થાઓમાં આર્થિક કે બિનઆર્થિક લાભો મેળવ્યા વગર શિક્ષકોની ભરતી કરવામાં આવી જે એક મોટુ પરિબળ ગણી શકાય. એ સમયે ઘણી સ્કૂલ-કોલેજોમાં મોટા ડોનેશનો લેવામાં આવતા ત્યારે પણ લાભુભાઇએ કોઇ દિવસ કોઇ પાસેથી ડોનેશન લીધુ નહતું. આમ તેઓ ભ્રષ્ટાચારની સખત વિરોધી હતા. એમની આ નિષ્ઠા તેઓની સંસ્થામાં હજુ સુધી જળવાઇ રહી છે. જે અન્ય સંસ્થાઓ માટે પથદર્શકનું કામ કરી શકે છે.
ગુરૂ સાથે એક કાર્યકર અને એક કર્મચારી તરીકેની અમારી નિકટતા મને પિતા-પુત્રના સંબંધનો અનુભવ કરાવતા: ડો.મહેશ ચૌહાણ
ગુરૂ સાથે એક કાર્યકર અને એક કર્મચારી તરીકેની અમારી નિકટતા મને પિતા-પુત્રના સંબંધનો અનુભવ કરાવતા. કર્મચારી કરતા પુત્રનો દરજ્જો અમને હંમેશા હુંફ આપતો રહ્યો’ પિતાતુલ્ય ગુરૂને શબ્દાંજલી આપવા માટેના શબ્દો હજુ સર્જાયા જ નથી એવુ કહીને મહેશભાઇ ચૌહાણખૂબજ ભાવુક થયા હતા. આમ છતાં થોડી સ્વસ્થતા કેળવીને તેમણે એમની વાત આગળ વધારતા કહ્યું કે હું કુંડલીયા કોલેજમાં ભણ્યો, લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ભણ્યો ત્યારથી જ મારી કારકિર્દી ઘડતરમાં ફાળો અનન્ય રહ્યો છે. કુંડલીયા કોલેજમાં મારી જેવા ઘણાને તેમણે વ્યક્તિગત ગ્રાન્ટ ફાળવી હતી. પર્યટન-પ્રવાસને કારણે વિદ્યાર્થીઓની સમાજ પ્રત્યેની જોવાની દ્રષ્ટિમાં સકારાત્મક પરિવર્તન આવે છે તેવુ સમજતા ગુરૂએ ઘણીવખત ટ્રસ્ટ દ્વારા પ્રવાસ-પર્યટનોનું આયોજન કર્યુ હતું.એક ખાસ પ્રસંગને યાદ કરતા મહેશભાઇએ જણાવ્યું કે, રાજકોટ શહેરમાં સૌપ્રથમ વખત મોરારીબાપુની કથાનું આયોજન ગુરૂજીએ કરાવ્યું ત્યારે વિદ્યાર્થી કાર્યકર તરીકે એમની રામકથાની પોથી ગાદીની સ્ટેજ વ્યવસ્થા અમારા સૌભાગયે કરવાનું આવ્યું. આ રીતે ધાર્મિક તેમજ અઘ્યાત્મીક કાર્યક્રમોના આયોજનોમાં તેઓ મહતમ વિદ્યાર્થીઓને તક આપતા. જેના કારણે મેનેજમેન્ટના પાઠ શિખવા મળતા. આગળ જતા એ જીવનમાં તેનો ફાયદો થતો રહ્યો છે.
કોઇ સંસ્થાના ટ્રસ્ટી તરીકે ઓળખાવા કરતા લાભુભાઇના પુત્રી તરીકે ઓળખાવામાં આવે તેનો ગૌરવ: અલ્પનાબેન ત્રિવેદી
અબતક સાથેની ખાસ વાતચીતમાં હેલીબેને એક પુત્રી તરીકે પિતા સાથેના સંસ્મરણોનો પટારો ખોલી નાખ્યો હતો. હેલીબેનના શબ્દોમાં જ વર્ણવીએ તો જેટલુ યોગદાન તેમણે શિક્ષણ જગતમાં આપ્યું છે એટલું જ યોગદાન કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ રહ્યું છે. એક શિક્ષણવિદ્ની સાથોસાથ તેઓ એક કલાપ્રિય જીવ હતા. આખા રાજકોટ જ નહીં પણ આજુબાજુનાં ગામડાઓમાંથી અભ્યાસઅર્થે સંસ્થામાં આવતા વિદ્યાર્થીઓની કલાને પારખીને તેમને પરિણામલક્ષી પ્રોત્સાહન પુરૂ પાડતા.ચીંથરે વિંટળાયેલા રાંકના રતનને તેમની કલાપારખુ દ્રષ્ટિ તુરંત ઓળખી જતી. એટલે જ દર વર્ષે એક સપ્તાહ સુધી તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતા. જેમાં નાટક, નૃત્ય, એકપાત્રીય અભિનય, સંગીતની વિવિધ સ્પર્ધાઓ, ચિત્રકલા, વકતૃત્વ સ્પર્ધા વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાવતા. ઘણા ખ્યાતનામ કલાકારો છે જે આજે પોતપોતાના ક્ષેત્રોમાં ટોચનું સ્થાન ધરાવે છે.એક પુત્રી તરીકે સમાજસેવાની સાથોસાથ પારિવારીક જવાબદારી પણ સુપેરે નિભાવવાની તેમની વિશિષ્ટ વ્યવહાર કુશળતાની હું પ્રત્યક્ષ સાક્ષી રહી છું. એક પિતા તરીકે તેમણે મને આપેલી એક એક ક્ષણ ભાવનાસભર રહી છે.
જન્માષ્ટમી લોકમેળો લાભુભાઇ ત્રિવેદીની જ દેન
લાભુભાઇ ત્રિવેદી કલાના ઉત્તમ ભોક્તા હોવાથી કવિ, કલાકારોને સદૈવ પ્રેમ અને આદર સત્કાર આપતા. જીવનની દડમજલ કાપતા અને એકધારા જીવનચક્રમાં વ્યસ્ત રહેતા શહેરી અને ગ્રામ્યજનોને થોડા દિવસોમાં તરોતાજગીથી ભરી દેનારા તહેવારોની ઉજવણીમાં સાંસ્કૃતિક મેળાઓનું મહાત્મ્ય સમજનારા લાભુભાઇએ શરૂ કરેલા લોકમેળાના કારણે હજારો લોકોને રોજગારી મળી રહે તેવા બેવડા ઉદ્દેશથી તેઓ કાર્યો કરી જાણતા. આનંદબજાર અને બાળમેળો, લોકમેળો જેવા નામકરણ સાથે શાસ્ત્રીમેદાનથી શરૂ થયેલી સાંસ્કૃતિક વિરાસત આજે રેસકોર્સના વિરાટ મેદાન સુધી વિસ્તરેલી છે. તહેવારોની મોસમમાં રાજકોટના ઘણા બધા પાર્ટી પ્લોટોમાં ચાલતા વ્યવસાયલક્ષી લોકમેળા કરતા એમના સ્થાપેલા લોકમેળાની લોકચાહના અકબંધ જળવાઇ રહી છે જે ઉત્તરોત્તર વધતી જોવા મળે છે.
‘ગુરૂ’નું તસવીરી સંભારણું…