- ટ્રક ડ્રાઇવર શાપરના કારખાનામાં માલ-સામાન ખાલી કરતો’તો દરમિયાન રાજકોટ રૂરલ એસઓજીએ દરોડો પાડી જથ્થો ઝડપી પાડ્યો
રાજકોટ રૂરલ એસઓજીએ શાપર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી એક ટ્રકની કેબીનમાંથી વનસ્પતિજન્ય ગાંજાનો 11.940 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડી ટ્રક ચાલક સલીમ બસીરભાઈ નરેજા (ગામેતી)ની ધરપકડ કરી છે. મામલામાં ટ્રક ચાલક ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી વેચાણ અર્થે લઇ આવ્યાનો ખુલાસો થયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રૂરલ એસઓજીના પીઆઈ એફ એ પારગી, પીએસઆઈ બી સી મિયાત્રા એસઓજી સ્ટાફ સાથે શાપર વેરાવળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એસઓજીના એએસઆઈ સંજયભાઈ નિરંજની, કોન્સ્ટેબલ રઘુભાઇ ઘેડ અને ચિરાગભાઈ કોઠીવારને સંયુક્ત રીતે બાતમી મળેલ હતી કે, ભાયાવદરનો સલીમ બસીર નારેજા પોતાના કબ્જાવાળા ટ્રક જીજે-03-બીવાય-5272માં ગેરકાયદેસર રીતે નાર્કોટીક્સ માદક પદાર્થનો જથ્થો લાવેલ છે અને હાલ છત્તીસગઢના રાયપુરથી ઔદ્યોગિક એકમનું રો મટીરીયલ લઈને આવેલ હોય તે શાપર ખાતે ખાલી કરી રહ્યો છે.
બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડતા ટ્રકની કેબીનમાં ડ્રાયવર સીટની પાછળની ભાગેથી વનસ્પતિજન્ય ગાંજાનો 11.940 કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ ટ્રક સહીત કુલ રૂ. 31,29,400નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સલીમ બસીર નારેજાની ધરપકડ કરી છે.
એસઓજીની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું છે કે, પોતે મોરબીની એક કંપનીનું રો મટીરીયલ લઇ ઓરિસ્સા ડિલિવરી આપવા ગયેલ હોય દરમિયાન ગાંજાનો જથ્થો વેચાણ અર્થે લઇને રાજકોટ આવેલ હતો.