રાજકોટ બેડી યાર્ડમાં 23 માર્ચથી, ગોંડલમાં 25 માર્ચથી, જસદણમાં 24 માર્ચથી, મહુવામાં 29 માર્ચથી રજા; મોરબી યાર્ડ આજે નિર્ણય લેશે
હિસાબી કામકાજો સબબ તમામ માર્કેટીંગ યાર્ડમાં ખરીદી-વેચાણ સહિતની કામગીરી સદંતર બંધ રહેશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડોમાં આગામી ટુંક સમયમાં માર્ચ એન્ડિંગ વેકેશન પડશે. હિસાબી કામકાજો સબબ દર વર્ષે માર્ચ માસનું છેલ્લુ અઠવાડિયું રજા રાખવામાં આવતી હોય છે. આ દિવસો દરમ્યાન ખરીદ-વેચાણ સહિતની કામગીરી બંધ રહેવા પામશે. રાજકોટ બેડી યાર્ડ આગામી 23 માર્ચથી 31 માર્ચ સુધી સદંતર બંધ રહેશે. આ દિવસો દરમ્યાન જણસીની આવક તેમજ હરરાજી વગેરે કામગીરી સંપૂર્ણ બંધ રહેશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું એવું ગોંડલ યાર્ડ પણ આગામી 25 માર્ચથી 1 લી એપ્રિલ સુધી રજા પાળશે જસદણ માર્કેટીંગ યાર્ડ 24 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય માર્કેટીંગ યાર્ડો પણ તા.25 માર્ચથી એક અઠવાડિયાની રજા પાળી હિસાબી કામકાજો નિપટાવશે. મોરબી માર્કેટીંગ યાર્ડમાં રજા મુદે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ એકાદ દિવસમાં રજા અંગેનો નિર્ણય લેવાશે તેમ જાણવા મળ્યું છે. મહુવા માર્કેટીંગ યાર્ડ પણ 29મી માર્ચથી ત્રણ દિવસ રજા પાળશે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે વેપારીઓની માંગણીને અનુસંધાને રાજકોટ બેડી યાર્ડ 23 માર્ચથી 10 દિવસ બંધ રહેશે. જોકે શાકભાજી વિભાગ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. હાલ ધાણા, જીરૂ, ઘઉં વગેરે જણસીની પુષ્કળ આવક થતી હોય ત્યારે માર્ચ એન્ડિંગની રજાઓથી ખેડુતો એક અઠવાડિયા સુધી જણસી ઠાલવી શકશે નહિ જોકે રજા બાદ તમામ યાર્ડ રાબેતા મુજબ જ શરૂ થઈ જતા તમામ કામગીરી 1લી એપ્રિલથી પૂર્વવત થશે.
જસદણ માર્કેટ યાર્ડ આગામી તા.24 થી 31 સુધી માર્ચ એન્ડિંગનાં કારણે સળંગ આઠ દિવસ સુધી બંધ રહેશે ઉલ્લેખનીય છેકે જસદણ યાર્ડમાં હાલ જુદી જુદી જણસીઓની ચિકકાર આવક થઈ રહી છે. આ પગલે ખેડુતોમાં ભારે રાજીપો છવાયો છે અને યાર્ડને પણ ધૂમ આવક થઈ રહી છે.