પેટ્રોલ અને ડીઝલના ભડકે બળતા ભાવ વચ્ચે પણ વાહન ખરીદવાનો ક્રેઝ યથાવત: વાહન વેરા પેટે રૂા.67.45 લાખની આવક
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એકધારો ભાવ વધારો થઈ રહ્યો છે. ભાવ આસમાને આંબી ગયા હોવા છતાં શુભ મુહૂર્તમાં વાહનોની ખરીદી કરવાની પરંપરા રાજકોટવાસીઓએ જાળવી રાખી છે. નવરાત્રીના શુકનવંતા દિવસોમાં શહેરમાં 1976 વાહનોનું વેંચાણ થયું છે. જેના કારણે કોર્પોરેશનને વાહન વેરા પેટે રૂા.67.45 લાખની આવક થવા પામી છે.
આ અંગે કોર્પોરેશનની ટેક્સ બ્રાંચના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નવરાત્રીના પાવનકારી દિવસોમાં 4 થી 16 ઓકટોબર દરમિયાન શહેરમાં કુલ 1976 વાહનોનું વેંચાણ થવા પામ્યું છે. જેમાં પેટ્રોલ સંચાલીત 1643 ટુ વ્હીલર, સીએનજી સંચાલીત 45 થ્રી વ્હીલર, સીએનજી સંચાલીત 9 ફોર વ્હીલર અને ડીઝલ સંચાલીત 16 ફોર વ્હીલર, પેટ્રોલ સંચાલીત 50 ફોર વ્હીલર, સીએનજી સંચાલીત 17 અન્ય ફોર વ્હીલર, ડીઝલ સંચાલીત 32 અન્ય ફોર વ્હીલર, પેટ્રોલ સંચાલીત 128 ફોર વ્હીલર, સીએનજી સંચાલીત 12 હેવી કોમર્શીયલ વ્હીકલ, ડીઝલ સંચાલીત 10 હેવી કોમર્શીયલ વ્હીકલ અને સીએનજી સંચાલીત 2 કોમર્શીયલ વ્હીકલ અને ડીઝલ સંચાલીત 1 ટ્રેકટર ટ્રોલી સહિતના વાહનોનું વેંચાણ થયું છે. જેના થકી કોર્પોરેશનને વાહન વેરા પેટે રૂા.67.45 લાખની આવક થવા પામી છે.