- પ્રિ-પેઈડ મીટરના અનેક ફાયદાઓ પણ સૌથી મોટો ગ્રાહક વર્ગને અસર કરતો ગેરફાયદો એ કે પૈસા અગાઉ ભરી દેવાના, વડોદરામાં ભારે વિરોધ બાદ રાજકોટમાં પ્રોજેકટ શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે પીજીવીસીએલના પ્રયાસો
- સૌરાષ્ટ્ર- કચ્છમાં પહેલા પૈસા ભરવાના નવા નિયમ સાથેનું પ્રિપેઈડ મીટર લોકો અપનાવશે ?
અબતક, રાજકોટ પીજીવીસીએલ દ્વારા પ્રિ પેઈડ મીટર નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં આ મીટરથી ભલે અનેક ફાયદાઓ હોય, પણ મોટો ગેરફાયદો એક જ છે કે પગાર મહિનો પૂરો થયા બાદ મળે છે પણ વીજળીનું બિલ એડવાન્સમાં કેમ ભરવાનું ? આ પ્રશ્નને લઈને ગ્રાહકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈ છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ થઈ રહ્યો છે. ઘણા લોકો એવી પણ ફરિયાદ કરી રહ્યા છે કે બિલ વધારે આવે છે.અમુક લોકો એક જ દિવસમાં રૂ.2,000 જેવું બિલ આવ્યું છે. તેવું પણ જણાવી રહ્યા છે.
આ મીટર સામે લોકોમાં વિરોધનો વંટોળ ઊભો થતો જાય છે. જો કે બીજો પ્રશ્ન એ પણ છે કે લોકોને પગાર કે વેતન મહિનો પૂર્ણ થતો હોય ત્યારે મળે છે તેવામાં વીજળીના પૈસા એડવાન્સમાં આપવા લોકોને કેવી રીતે પોશાય ?
સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ના ચીફ એન્જિનિયર વાળાએ જણાવ્યું હતું કે પીજીવીસીએલ દ્વારા અત્યાર સુધીમાં 10 હજાર જેટલા મીટર લગાવવામાં આવ્યા છે. 25 જેટલી સરકારી ઓફિસોમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. મીટર બદલાવતા પહેલાનું જે બિલ હોય તે એડ થઈને આવ્યું હોવાથી ઘણાં લોકોને વધુ બિલ આવ્યા છે. બિલ વધારે આવવાનું કારણ જે મીટર બદલ્યું છે તે મીટર નું આગળ નું બિલ તેમાં ઉમેરાઈને આવે છે એટલે પ્રથમ અઠવાડિયામાં કદાચ વધારે બિલ આવે પરંતુ તે આગળના બિલમાં જે યુનિટ નો વપરાશ થયો છે તે પણ ઉમેરાઈને આવે છે એટલે બિલ વધારે આવ્યું હોય. બંને મીટર એક સરખા ટેરીફથી ચાલે છે એટલે ક્યાંય બિલ વધઘટ થવાની શક્યતા નથી.
પ્રીપેડ મીટરમાં 300 રૂપિયા સુધી વપરાશ થશે તો પણ કનેક્શન કપાશે નહીં એટલે તમારા વપરાશને તમે અંકુશમાં રાખી શકશો.
સ્માર્ટ મીટરના કોઈ ચાર્જીસ વસૂલ કરવામાં નહીં આવે તેવું પણ તેઓએ જણાવ્યું હતું. તો બીજી તરફ એવી વાતો પણ થઈ રહી છે કે અનેક નગરપાલિકા અને મહાનગરપાલિકાના અઢળક બિલ બાકી છે.
જો ગ્રાહક પાસેથી એડવાન્સ રૂપિયા વસુલવામાં આવતા હોય તો આવી નગરપાલિકા અને મહાનગરપાલિકા પાસેથી પણ શું પીજીવીસીએલ એડવાન્સ બિલ લેવાની સિસ્ટમ શરૂ કરશે ?ઉલ્લેખનીય છે કે વડોદરામાં આ પ્રિપેઇડ મીટર સામે વિરોધ વંટોળ ઉભો થયો છે. ત્યારે આ વિરોધનો સુર સૌરાષ્ટ્ર સુધી ન પહોંચે તે માટે પીજીવીસીએલ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે નવા મીટર અંગે જાગૃતતા ફેલાવવા પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અનેક પ્રશ્નોના જવાબ સામે પીજીવીસીએલના અધિકારીઓએ મૌન સેવ્યું હતું.
પ્રિ-પેઈડ મીટરને લગતી ટેક્નિકલ સમસ્યાનું સમાધાન ગ્રાહકોને તુરંત મળશે ?
સામાન્ય રીતે જ્યારે વરસાદ પડે છે કે ભારે પવન ફૂંકાઈ છે. ત્યારે વીજળી ગુલ થઈ જાય છે. આ વેળાએ પીજીવીસીએલના ફરિયાદ નોંધાવવું પણ કપરું બનતું હોય છે. પીજીવીસીએલના ફરિયાદ નંબરો સતત વ્યસ્ત આવતા હોય છે. જો ફરિયાદ થઈ પણ જાય તો જ્યારે ફરિયાદનો વારો આવે ત્યારે ફરિયાદ સોલ્વ થતી હોય છે. આવા સમયે હવે પ્રિ પેઇડ મીટર નાખવામાં આવી રહ્યા છે ત્યારે આ મીટરને લઈને જો કોઈ ગ્રાહકને ટેક્નિકલ સમસ્યા સર્જાશે અથવા તો કોઈ પણ માર્ગદર્શન કે મદદની જરૂર પડશે ત્યારે પીજીવીસીએલ તાત્કાલિક આ મદદ પુરી પાડી શકશે ?
સૌરાષ્ટ્ર- કચ્છના 57 લાખ મીટર 2 વર્ષમાં પોસ્ટ પેઇડમાંથી પ્રિ-પેઈડમાં રૂપાંતરિત કરાશે
પીજીવીસીએલ હસ્તક કુલ 57 લાખ મીટરો છે, જેમાં 47 લાખ મીટરો રહેણાક અને કોમર્શિયલ મીટરો લાગેલા છે, જેમાં 70 ટકા રહેણાક મીટરો છે જ્યારે 30 ટકા કોમર્શિયલ મીટરો છે, તદુપરાંત 11 લાખ કૃષિ મીટરો છે, આમ કુલ 57 લાખ મીટરો પીજીવીસીએલની ખાતાવહીમાં હાલ નોંધાયેલ છે. આ તમામે તમામ પોસ્ટ-પેઈડ મીટરોને પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર વડે બદલવા માટે પીજીવીસીએલ બે તબક્કામાં કામ કરશે. જેમાં પહેલા તબક્કામાં 23 લાખ મીટરો બદલવાનું આયોજન છે, જ્યારે બીજા તબક્કામાં અન્ય 34 લાખ મીટરો બદલવાનું આયોજન છે, જે બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય પીજીવીસીએલ ધરાવે છે. આ આયોજનને વધુ પરિમાણલક્ષી બનાવવા પીજીવીસીએલ દ્વારા મોબાઈલ એપ પણ બનાવવામાં આવી છે. જે ગ્રાહકોને એકંદર ઉર્જા સંરક્ષણ તરફ લઈ જવા પ્રેરે છે તેમજ પ્રોત્સાહિત કરે છે.
વડોદરામાં પ્રિ-પેઈડ મીટરનો ભારે વિરોધ
એમજીવીસીએલ દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વડોદરાના પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે ફતેગંજ-નિઝામપુરામાં મીટરો લગાવવામાં આવ્યા હતા. ગ્રાહકોએ ચાર્જ ન કરાવતા 400 ગ્રાહકોનો વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. વીજપુરવઠો બંધ થઇ જતાં ગ્રાહકો ફતેગંજ વીજ સબસ્ટેશન ઉપર આવી પહોંચ્યા હતાં અને હોબાળો મચાવ્યો હતો. નોંધનીય છે કે, દિવસે દિવસે પ્રી-પેઇડ મિટરોનો વિરોધ વધી રહ્યો છે. બીજી તરફ એવા આક્ષેપો પણ ઉઠ્યા છે કે આ મીટરમાં વીજ બિલ વધુ આવે છે. ગ્રાહકો એવી પણ માંગ કરી રહ્યા છે કે તેઓને ફરી જુના મીટર જ નાખી આપવામાં આવે.
જે લોકો જુના મીટર યથાવત રાખવા માંગે છે તેઓને યથાવત રાખવા દેવા જોઈએ : શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્માર્ટ મીટરને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લઈને લોકોને લૂંટવાનો કારસો છે. ચૂંટણી પહેલા કેમ સ્માર્ટ મીટર ન લાવવામાં આવ્યા ? સ્માર્ટ મીટરના નામે ભાજપ જે કરે છે તે જનતા પર બોજો છે. ભલે સરકાર કહેતી હોય કે લોકોના ફાયદા માટે છે પણ જે લોકો નથી લેવા માંગતા તેવા લોકોને જૂના મીટર યથાવત રાખવા જોઈએ.