અબતક, રાજકોટ
કોરોના સામે લડવા માટે એક માત્ર હથિયાર વેક્સીન છે. રાજકોટ શહેરમાં 100 ટકા નાગરિકોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. હજી અનેક લોકોએ વેક્સીન લીધી નથી. જેની સામે આકરા પગલાં લેવાની દિશામાં કોર્પોરેશને વિચારણાં શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. વેક્સીનના બંને ડોઝ ન લેનાર કોર્પોરેશનના કર્મચારીઓને ચાલુ મહિનાનું વેતન અટકાવી દેવામાં આવશે. આ ઉપરાંત શહેરીજનો માટે પણ આકરા નિયંત્રણો લાદવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ જણાઇ રહી છે. આ અંગે સંભવત: આજ સાંજ સુધીમાં સત્તાવાર નિર્ણય લઇ લેવામાં આવશે.
વેક્સિનના બંને ડોઝ ન લેનારા કર્મચારીઓનું વેતન અટકાવાશે:
જીમ, સ્વિમિંગ પુલ, ઇન્ડોર સ્ટેડિયમ, ઝુ, મોલ, અને લાયબ્રેરીમાં પણ નો એન્ટ્રીની સંભાવના
આ અંગે કોર્પોરેશનના વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ દિવાળીના તહેવાર બાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. પ્રથમ ડોઝમાં 100 ટકા કામગીરીની સિદ્વી હાંસલ કરી લીધી છે છતાં કેટલાંક નાગરિકો કોરોનાનો બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી. વેક્સીનેશનની કામગીરીને વધુ વેગંવતી બનાવવા માટે આગામી દિવસોમાં આકરા નિર્ણયો લેવામાં આવશે. જેમાં મહાપાલિકાના 6,000 જેટલા કર્મચારીઓ કે જેઓએ વેક્સીનના બંને ડોઝ ન લીધા હોય તેવા કર્મચારીઓના ચાલુ માસના પગાર અટકાવી દેવામાં આવશે. વેક્સીનના બંને ડોઝનું પ્રમાણપત્ર રજૂ કરનારને જ નવેમ્બર માસનો પગાર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત શહેરીજનો માટે પણ કેટલા આકરા નિર્ણયો લેવામાં આવેશ.
જેમાં વેક્સીનના બંને ડોઝ ન લેનાર શહેરીજનોને કોર્પોરેશન સંચાલિત જીમ, સ્વીમીંગ પુલ, ઇન્ડોર સ્ટેડીયમ, પ્રદ્યુમન પાર્ક ઝૂ, લાઇબ્રેરી, બાગ-બગીચા ઉપરાંત મોલમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. સિટી બસ અને બીઆરટીએસમાં પણ વેક્સીનના બંને ડોઝ લેનારને પ્રવેશ આપવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. સરકારી કચેરીઓમાં પણ હવે વેક્સીનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, રાજકોટમાં 90 ટકા જેટલા લોકોએ કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે. વેક્સીનેશન ટાર્ગેટ 100 ટકા પૂર્ણ કરવા માટે કેટલાંક આકરા નિર્ણય લેવામાં આવશે. આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે