જમીન વેંચાણનો લક્ષ્યાંક 400 કરોડ અને એફએસઆઇ વેંચાણથી 143 કરોડની આવકનો અંદાજ
કોર્પોરેશનની પોતીકી કહી શકાય તેવી એકમાત્ર ટેક્સની આવકમાંથી હવે પગાર ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની ગયો છે. સતત ખર્ચ વધી રહ્યો છે જેની સામે આવકમાં કોઇ જ વધારો થતો નથી. નવા વિસ્તારોનો રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જેને પ્રાથમિક સુવિધા આપવામાં અબજો રૂપિયા ખર્ચાઇ જાય છે. કોર્પોરેશનમાં પગાર ખર્ચનો આંક હવે 418 કરોડે પહોંચી જવા પામ્યો છે.
રૂ.2586.82 કરોડના કદાવર બજેટમાં કોર્પોરેશનન દ્વારા શહેરીજનો પર રૂપિયા 101 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. ટેક્સની આવકનો લક્ષ્યાંક આ વર્ષે 360 કરોડ હતો. જે પૂરો થાય તેવી જ કોઇ શક્યતા જણાતી નથી. છતાં નવા વર્ષમાં આવકનો લક્ષ્યાંક 471 કરોડ રાખવામાં આવ્યો છે. રિવાઇઝ્ડ બજેટ રૂ.2145.88 કરોડનું રજૂ કરાયું છે.
જમીન વેંચાણ માટે છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. છતાં નવા બજેટમાં જમીન વેંચાણનો 400 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની જાહેરાત કરવામાં આવી છે.
જે અંતર્ગત એફએસઆઇના વેંચાણથી અને અન્ય આવકનો લક્ષ્યાંક 196 કરોડ રાખવામાં આવ્યો છે. જ્યારે વ્યવસાય વેરાનો લક્ષ્યાંક 40 કરોડ અંદાજાયો છે. જકાત ગ્રાન્ટ પેટે કોર્પોરેશન 143.53 કરોડ, મહેસૂલી ગ્રાન્ટ પેટે રૂ.33.69 કરોડ, એજ્યુકેશન સેસની ગ્રાન્ટ પેટે રૂ.30 કરોડ પ્રાપ્ત થશે. બજેટ સંપૂર્ણપણે ગ્રાન્ટ આધારિત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે મૂડી આવકના વિભાજનમાં પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોર્પોરેશનને 916 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેવા અંદાજ સાથે બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી દર વખતે બજેટમાં મ્યુનિસિપલ બોન્ડની ઘોષણા કરવામાં આવતી હતી. પરંતુ સરકાર દ્વારા તેની મંજૂરી ન મળવાના કારણે હવે આ વર્ષે તેના કોઇ જ લક્ષ્યાંક રાખવામાં આવ્યા નથી.