22 લોકો ઇજાગ્રસ્ત થયા, 23 પશુઓના મોત થયા, વૃક્ષો અને વીજ પોલને નુકસાન: સરકારનું ડિઝાસ્ટર પ્લાનિંગ સફળ રહ્યું
વાવાઝોડા દરમિયાન એક પણ માનવમૃત્યુ થયું નથી. 22 લોકો ઇજાગ્રસ્ત થયા, 23 પશુઓના મોત થયા, વૃક્ષો અને વીજ પોલને નુકસાન થયું છે. સરકારનું ડિઝાસ્ટર પ્લાનિંગ સફળ રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કચ્છના ભૂકંપથી માંડીને રાજ્યના દરિયાકિનારે ત્રાટકતાં વાવાઝોડાં જેવી કુદરતી આપત્તિઓ સમયે સર્જાતી ભીષણ પરિસ્થિતિઓમાં ગુજરાતે હંમેશાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ટકરાયું હતું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુદ્રઢ નેતૃત્વમાં રાજ્ય સરકારે વાવાઝોડા સામે પહોંચી વળવા અને જનતાને સુરક્ષિત રાખવા માટેની તમામ પૂર્વતૈયારીઓ કરી હતી.
ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 એનડીઆરએફ ટીમો તહેનાત કરવામાં આવી હતી. આ સાથે જ દરિયાકાંઠાના 7 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ) અને પાટણ, બનાસકાંઠા, સુરતમાં 12 એસડીઆરએફ ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી.
વાવાઝોડું, વરસાદ અને પવનના જોરને ધ્યાનમાં રાખીને પૂર્વતૈયારીરૂપે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા 4317 હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા હતા, જેથી જાનમાલની હાનિને ટાળી શકાય. આ ઉપરાંત, આ 8 જિલ્લાઓમાં 21,595 હોડીઓને લંગારવામાં આવી હતી.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને લોજિસ્ટિક્સનો પર્યાપ્ત જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત જિલ્લાઓની હોસ્પિટલોમાં 100% ડીઝલ જનરેટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતી તબીબી મદદ મળી રહે તે માટે કુલ 202 જેટલી 108 એમ્બ્યુલન્સ અને 264 સરકારી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી.
આ સાથે જ, સંભવિત વાવાઝોડાંની અસર હેઠળ આવે તેવા રાજ્યના 8 જિલ્લાઓમાંથી 1 લાખથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ 8 જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે 1521 શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, આ 8 જિલ્લાઓમાં જીસીબી, ડમ્પર, ટ્રેક્ટર, લોડર વગેરે જેવી સાધન-સામગ્રી સાથે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 132 ટીમો તહેનાત કરવામાં આવી હતી
કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને રાજકોટ જિલ્લામાં હેમ રેડિયો સ્ટેશન ઊભા કરવામાં આવ્યા હતા.
તમામ પ્રકારની કુદરતી આપત્તિઓ સામે રાજ્યની જનતાને સુરક્ષા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ હતી.
મુખ્યમંત્રી આજે અથવા કાલે કચ્છની મુલાકાત લેશે
બિપોરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કચ્છ ઉપર સતત નજર હતી. હાલ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ત્યારે કચ્છની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ જઈ શકે છે. અથવા તેઓ આવતીકાલે પણ કચ્છ જાય તેવું જાણવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કચ્છ જઈ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ શકે છે.